આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪

હરિ ! હરિ ! એ સર્વ પાપ મ્હારે જ માથે. અને એ સર્વના બદલામાં શિક્ષાને યોગ્ય તો હું જ છું ! રાજ્યને અંતે નરક તે આ જ !!”

“બુદ્ધિધનભાઈ! તમે પણ ત્યારે શિક્ષાને યોગ્ય તો ખરા. રાજીનામું આપું તો ? પણ યુદ્ધપ્રસંગે નોકરી છોડી તમારા પર પડવાની ખરી શિક્ષામાંથી બચી જવા માગો - એ રાજીનામું તો જાતે શિક્ષામાંથી બચવાનો રસ્તો ! હવે તો આજ સુધી મહારાણાનું અન્ન ખાધું તેનું ફળ તેમને આપો - ને તે આપવું હોય તો નોકરીમાં ર્‌હો, પુત્રને શિક્ષા કરો અને એ શિક્ષા કર્યાથી સ્નેહબંધનને જે દુ:ખ થાય, મહાન્ આત્મછિદ્ર અને કુટુંબછિદ્ર પ્રકટ થવાથી જે ગ્લાનિ થાય, અને લોકમાં જે અપકીર્તિ થાય – તે સર્વ કષ્ટ વ્હોરી લ્યો ત્યારે તમારું કર્તવ્ય થાય. અને એથી ગરીબ કુમુદનું જે મહાદુઃખવાળું દીન મુખ જોવું પડે તે જોવાનું દુ:ખ ખમવું પડે તે પણ - બુદ્ધિધનભાઈ – ખમો ને કુમુદને એ દુ:ખ દીધાનું પાપ બેસે તેનું પ્રાયશ્ચિત્ત કરો! મહારાણાને અધવચ ડુબતા મુકવાથી એ પ્રાયશ્ચિત્ત નહી થાય.”

“નરભેરામ ! ત્હારો શ્લોક ખોટો છે, સગાંસંબંધીને વર્તાવવાં અને શત્રુને મારવા – એને સારુ જો પ્રધાનપદ પર ચ્હડવું હોય તો એ અભિલાષમાં માલ નથી – એ અભિલાષ પામર જીવોને છે – પાપનો ભરેલો છે – અધર્મનો ઉત્પાદક છે – અને ધર્મિષ્ઠ હૃદયને આવાં મહાકષ્ટમાં ઝબકોળનાર છે - તે, વિદ્યાચતુર, તમારું કહેલું હું આજ અનુભવ પડ્યે સમજ્યો ! દેવી ! ત્હેં મ્હારું હૃદય ધર્મિષ્ઠ કર્યું છે તેમાં અધર્મને નહી પેસવા દેઉં !”

“ત્યારે હું કાલ પ્રાતઃકાળે આ કામ કરીશ – પ્રમાદને પદવીભ્રષ્ટ કરીશ, દરબારમાંથી એનો પગ ક્‌હાડીશ,– બીજી શિક્ષા - ન્યાયાધીશ પાસેની ?” –

આ વિચાર થતાં બુદ્ધિધનનું આખું શરીર ત્રાસથી કંપવા લાગ્યું. તેની આંખમાં આંસુ આવ્યાં. તે લ્હોતો લ્હોતો બોલ્યો :-“બધા વ્યભિચારીયોને હું કેદની શિક્ષા કરું ને આને ન કરું તે શું – એ મ્હારો પુત્ર - માટે?”

નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ મુકતો બોલ્યો: “હરિ ! હરિ ! તને જે ગમે તે ખરું ! સવારે જે બુદ્ધિ તું આપીશ તે હું કરીશ.”

“પ્રભુ, ત્હેં મ્હારું અભિમાન મુકાવ્યું, માતુ:શ્રીનું અપમાન – દેવીનું અપમાન - દુષ્ટરાયને હાથે થયેલું - એ અપમાનથી સળગેલા