આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨

સમયે કોઈ છાયાવાળા મહાવૃક્ષ નીચે વિશ્રામ કરે અથવા કોઈ સરોવર અથવા નદીને તીરે સાયંકાળની રમ્યતામાં “લખ-આનંદ” પ્રગટ કરે તેવા તેવા પ્રસંગોએ ન્યાય, મીમાંસા, ગણિત, આદિ શાસ્ત્રોમાં ગોસાંઈઓને પ્રવેશ કરાવતા. કાળક્રમે સ્વામીને યોગ્ય લાગે ત્યારે અનધિકારીને અધિકાર આપતા, કનિષ્ઠાધિકારીને મધ્યમાધિકારી અને મધ્યમને ઉત્તમાધિકારીનું પદ આપતા, અને ઉત્તમાધિકારીમાં ઉત્તમ હોય તેને પોતાના એકાંત શાસ્ત્રવિચાર પ્રસંગે એકાંતમાં બતાવી પોતાના સમાન કરતા અને તેની સાથે ચર્ચા કરી જ્ઞાન આપી જ્ઞાન લેતા.

મંદિરની બીજી પાસની ઓસરીમાં ઉત્તમાધિકારીયો બેસતા, એક પાસની શાળામાં મધ્યમાધિકારીયો બેસતા, અને બીજી પાસનીમાં કનિષ્ઠાધિકારીયો બેસતા. આગળની ઓસરીમાં અનધિકારીયો બેસતા. મંદિરની પાછળ એક બીજી બે ઓરડીયો હતી તેમાંની એકમાં પૂજાની સામગ્રી અને બીજીમાં પુસ્તકો તથા મઠનું દ્રવ્ય ર્‌હેતું. પોતાની ઓસરી પાછળ એક દ્વાર હતું, તેમાં થઈ પાછળના ઉઘાડા ભાગમાં સ્વામીના સ્નાન-શૌચાદિનાં સ્થાન હતાં. એ ભાગ વિશાળ હતો, પણ તેની ચોપાસ પર્વતના ઉંચા ઉંચા ખડકની ભીંતો હતી અને મઠની બે પાસની ભીંતો તેને સાંધી દીધી હતી. આ વાડામાં પર્વતની સામી ભીંતે મ્‍હોટી ગુફા હતી, અને ગુફાને મુખે મહાન્. ન્યગ્રોધ [૧] વૃક્ષ હતો. આ વડ અને પર્વત વચ્ચેના ખુણામાં એક સુંદર નિર્મળ અને મીઠા પાણીનો ઝરો નિરંતર વ્હેતો હતો અને પ્રવાહ ભૂમિમાં જ લીન થઈ જતો હતો. અા ઝરામાં મ્હોટાં શતપત્ર કમળ થતાં. તેના ઉપર પર્વતની ભીંતોએ મધુર ગુંજારવ કરતા મધુકરોના બે પુડા બાઝેલા હતા. વડ શીવાય એટલામાં તમાલ, અાંબા, કેળ આદિ વૃક્ષો, કેટલાક વેલા, અને પરાગવાન્ સુંદર સુગન્ધી પુષ્પો મધુર પવનને વશ થતાં હતાં. ઝરા આગળ હંસો, બતકો, મેના, પોપટ આદિ પક્ષિઓ ર્‌હેતાં. ન્હાનાં હરણ અને સસલાં પણ હતાં. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત અને શાંત કરનાર પદાર્થ અત્રે એકત્ર થયા હતા. કોમળ સ્પર્શવાળું બારે માસ લીલું ઘાસ, ઝરા અને પક્ષીઓનું ઝીણું ગાન, નેત્રને શીતળ કરનાર સૃષ્ટિનો રંગ અને ચિત્રો, નાસિકાને આલ્‍હાદ આપનાર પુષ્પગંધ, અને મિષ્ટ જળ અને ફળોઃ એ સર્વ આ વિશાળ વાડામાં મનુષ્યના મનને ક્ષોભ અને ઉદ્દીપન ન્‍હોતાં આપતાં, પણ શાંતિ અને આનંદ આપતાં હતાં, અને કુતર્ક ડાબી દેઈ સુતર્કને સપક્ષ


  1. ૧. વડ