આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭


“સમજયો, બચ્ચા? આપણે શું વિભૂત ધરાવવાના હતા ? જો કોઈ વિભૂત નહીં ધરે તો તે શ્રીલખનો ખેલ છે, અને જો શ્રી અલખ પરમાર્થે જાગશે તો તે વિભૂતને જ લખ કરશે ને ધરનાર વગર કહ્યે ધરશે. આ વિભૂત તો શ્રી અલખની માત્ર સંજ્ઞા છે; બાકી સત્ય વિભૂત તો માનસિક છે તે તો માત્ર ઉભયાધિકારીને જ છે, તું હાલ એટલું જ શીખ કે સર્વ જોવું અને સર્વ લખ – રૂપ અલખની વિભૂતિ છે જાણી તેનો તિરસ્કાર ન કરવો અને જુલમ ન કરવો. એવો જુલમ એ આસુરી માયાનો અહંકાર છે. પરંતુ આપ આપકા વિભૂતિ જો ધરતા હય ઔર સ્વધર્મકા ત્યાગ નહી કરતા હય યહ ભક્તનકો ટેક શ્રી લખ – આત્માકું બોત પ્રિય હય ઔર ઈસ લિયે તુલસીકી પાસ શ્રીકૃષ્ણચંદ્રને રામરૂપ ધર દિયા ! નવીનચંદ્રજીને ટેક છે ને તને અહંકાર થયો !! આજ તો ક્ષમા કરું છું. બીજી વાર એ દુષ્ટ અસુરનો સ્પર્શ તને થયો તો આ મઠના આશ્રયની યોગ્યતા ત્હારામાં નહી ગણું.”

આ વાર્તા પુરી થતાં વિષ્ણુદાસ બોલ્યાઃ “મોહનપુરી, પૂજા સંપૂર્ણ થઈ તો હવે આપણે ઉપવનમાં ચાલો. આજે અનધ્યાયનો દિવસ છે માટે માત્ર શાસ્ત્રવિનોદ કરીશું અને અતિથિને એ વિનોદનું આસ્વાદન કરાવીશું. આજ સર્વ અધિકારીમંડળને સાથે ર્‌હેવા અનુજ્ઞા છે.”

સર્વ મંડળ ઉપવનમાં ગયું. ત્યાં સ્થળે સ્થળે મૃગચર્મ, વ્યાઘ્રચર્મ, અને શિલાઓનાં આસન તૈયાર થઈ ગયાં અને એક શિલાપર વ્યાઘ્રચર્મ નંખાવી વિષ્ણુદાસ બેઠા અને પાસે બીજી શિલાઉપર મૃગચર્મ, નંખાવી અતિથિને બેસાડ્યો. બીજું મંડળ ચોપાસ વીંટાઈ વળ્યું. વિષ્ણુદાસે પ્રસન્ન વદનથી ગોષ્ઠીવિનોદ આરંભ્યો.

“ નવીનચંદ્ર, તમારા સંબંધમાં અત્યાર સુધીમાં જે જે સાંભળ્યું તેથી સર્વને પ્રસન્નતા થઈ છે. પણ મ્હારા સાંભળ્યામાં એમ પણ આવ્યું કે તમારા હૃદયમાં કાંઈક ઉડું દુઃખશલ્ય છે – ”

સરસ્વતીચંદ્ર હસ્યો અને વાક્ય પુરું થતાં પ્હેલાં બોલ્યો:– “સ્વામીજી, એ તો જેનું જેવું અનુમાન થયું તેવું તેણે કલ્પ્યું અને તેને કલ્પવાનું કારણ તેમને લાગે એમ હતું, એમ છતાં મને દુ:ખ જ હોય તો તેમાં મને કાંઈ બાધ લાગતો નથી. દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય થતું નથી. અંધકાર વિના પ્રકાશનો મર્મ સમજાય એમ નથી : દુઃખનો અનુભવ વૈરાગ્યનું કારણ થાય છે. દુઃખનું અવલોકન