આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

અનવછિન્ન બ્રહ્મને મુકીયે છીયે. પ્રાકૃત જનોની ચર્મચક્ષુ ઉપાધિને જ લક્ષી શકે છે માટે જીવ-ઈશ્વરને અમે લક્ષ્ય અથવા લખ કહીયે છીયે, અને એ પ્રાકૃત ચર્મચક્ષુ ઉપાધિહીન બ્રહ્મને દેખતું નથી માટે બ્રહ્મને અમે અલક્ષ્ય અથવા અલખ કહીયે છીયે. લક્ષ્ય અને અલક્ષ્ય એ અમારી દ્ધિપુટી છે.”

“જીવસૃષ્ટિ તે મનોરાજ્ય અને ઈશ્વરરુષ્ટિ તે માયા એ ઉભય જીવ અને ઈશ્વરના અવચ્છેદ છે અને તેને અમે લક્ષ્યથી જુદા ગણતા નથી, અમે માયાને ત્યાજ્ય અથવા હેય ગણતા નથી, હેયોપાદેયતા એ પણ રાગદ્વેષનો એક પ્રકાર છે અને એના સ્વીકારથી દ્વૈતગ્રાહનો દોષ આવે છે, માટે સંસાર અથવા માયાને સ્વીકાર અથવા ત્યાગ એક પણ ઉત્પન્ન ન કરવો અને જનક, કૃષ્ણચંદ્ર આદિનું જ્ઞાન-માહાત્મ્ય તેમના આ રીતના અદ્વૈતગ્રાહને લીધે અમે ગણીયે છીયે. આ પ્રમાણે વ્યવસ્થા કરવાથી અમને બીજો લાભ છે. લક્ષ્ય ઈશ્વરથી લક્ષ્ય જીવનો ભેદ કરવો એ અમને રુચતો નથી. જીવરૂપ લક્ષ્ય ઈશ્વરરૂપ લક્ષ્યયંત્રનું ચક્ર છે, અને ચક્ર યંત્રથી અવળું ચાલવા માંડે તો આખું યંત્ર નષ્ટ થાય. ઈશ્વર જે અલક્ષ્ય યંત્ર ચલાવે છે તેની સાથે જીવરૂપ લક્ષ્યચક્રનું અમે અદ્વૈત રાખીયે છીયે; સુખદુઃખ સંસાર-વૈરાગ્ય આદિ દ્વૈતભેદમાં અભેદ એટલે અદ્વૈત-બુદ્ધિ કરીયે છીયે; અને આ પ્રમાણે સંન્યાસ ઉત્પન્ન ન કરતાં લક્ષ્યધર્મ પાળીયે છીયે, અને લક્ષ્યધર્મ પાળવામાં ધુરંધર જે શ્રીકૃષ્ણ તેની પૂજામાં કનિકાધિષ્ઠારીયોને પ્રવર્તાવીયે છીયે કે કાળક્રમે પૂજ્યની ભક્તિથી પૂજ્યમાં જાગેલો અલખ-અગ્નિ પૂજકમાં જાગૃત થાય અને લક્ષ્યધર્મનો ભંગ થાય નહીં.”

“જયારે લક્ષ્યરૂપ જીવાભિધાન સ્ફુલિંગ પ્રબોધને પામે છે ત્યારે પ્રાકૃત દૃષ્ટિને સ્થાને દિવ્ય દૃષ્ટિ થાય છે અને તદવધિ સુપ્ત લાગેલો અલક્ષ્ય-રૂપ પરાવર પોતાના લક્ષ્યરૂપ સ્ફુલિંગમાં જાગૃત થાય છે, પ્રજ્વલે છે, અને ત્યાં અલખ જાગ્યો એમ અમે કહીયે છીયે.”

“લક્ષ્યરૂપ એટલે લક્ષ્ય છે રૂપ જેનું તે. લક્ષ્યરૂપ જીવનું લક્ષ્યરૂપ ઈશ્વર સાથે ઐક્ય; તે, ભક્તિથી, અને ગાર્હસ્થ્યધર્મ, રાજધર્મ, સ્ત્રૈણધર્મ આદિ જન્માદિથી પ્રાપ્ત થયેલા લક્ષ્યધર્મનું પાલન કરીને, જીવઈશ્વરનું અદ્વૈત રચી, જ્ઞાનથી – સમાધિથી - અલક્ષ્યયોગ કરી, અલખ