આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪

જગાવી, એ લક્ષ્યને આ અલક્ષ્ય સાથે યોગ કરી, લખમાં અલખ જગાવી, લક્ષ્યાલક્ષ્યનું અદ્વૈત અનુભવીયે છીયે.”

“આ સર્વ ખેલમાં જીવ અને ઈશ્વર એ બ્રહ્મરૂપ અલખ-સાગરના લખ-તરંગ છે, અને સંસારમાં એમની લક્ષ્યતા એટલે લખતા છે. આ જીવ-ઈશ્વરના અવચ્છેદરૂપ દેહાદિથી આરંભી બ્રહ્માંડ સુધીના સંસાર, ધનુષ્યમાંથી છુટેલા બાણની ગતિ જેવા છે, તેની ગતિને આરંભ અને અંત છે. સ્થૂલમાં સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાં કારણ, એ ત્રણ દેહની પરંપરા છે અને જન્મે જન્મે મરણે મરણે એ કારણ દેહના સ્થૂલ શરીરેથી સ્થૂલ શરીરે લક્ષ ચોરાશી જન્મ-રૂપ સંક્રાંતિ એટલે અવતાર થાય છે, પણ કારણનો ખરો આરંભ તો સૃષ્ટિ-કાળે માયાના જન્મ સાથે થયો ને કાર્ય સમષ્ટિનો ખરો અંત પ્રલયકાળે આવશે. એ આરંભકાળથી થયલો ને એ અંતકાળ સુધી ર્‌હેનારો અવચ્છેદ તેથી અવચ્છિન્ન સંસારના આરંભે બંધ અને અંતે મોક્ષ. પણ એ બંધમોક્ષ સંસારના છે; અથવા કેટલાક ક્‌હે છે કે એ બંધમોક્ષ બુદ્ધિના છે, જેમ કે શ્રીયોગવસિષ્ઠમાં ઉપદેશ છે કે:- संन्यासयोगयुक्तात्मा कुर्वन्मुक्तामतिर्भव. આમ ગમે તો સંસારના કે ગમે તો મતિના બંધમોક્ષ હો, પણ આત્માના તો નથી જ. એ બંધમોક્ષ એવાં એ આરંભ અને અંતની કોટિયોનાં નામ છે, એ બંધ કે મોક્ષનો કોઈ કરનાર નથી, એને વાસ્તે તદ્રૂપ એટલે તમે જે આત્મા છો તેનું ઉત્થાન થાય એમ જ નથી. બંધમોક્ષ સંસારના અવચ્છેદક છે, આત્માસાથે તેમને લેવા દેવા ન મળે. કિરાતમાંથી જે મુક્તિ સારુ ત્યાગના સાધનથી ઉત્થાન થવાનું તમને કહ્યું તે અમારા સિદ્ધાંતનું વચન નથી. અમારા સિદ્ધાંત પ્રમાણે પરાવર પરમાત્માના તરંગ-રૂપ જીવોમાં માત્ર પ્રબોધ થાય છે અને તેમાં અલખ જાગે છે, બાકી તેના બંધમોક્ષ તો છે જ નહી. શ્રી ગૌડપાદાચાર્યના વેદાંતમાં પણ આત્મા અબદ્ધ-મુક્ત છે.”

આ પ્રસંગે અધીરો થઈ સરસ્વતીચંદ્રથી પુછાયા વિના ર્‌હેવાયું નહીં: “ ત્યારે આ સર્વે મંડળ અને આપ ત્યાગી નહીં ?”

વિષ્ણુદાસ હસીને બોલ્યાઃ “બચા, સાચી વાત પુછી - તો સાંભળ. અલખપુરી ! અલખયોગીનું વેષરહસ્ય આને સમજાવ.”—

પ્રીતિ ઉપજતાં સરસ્વતીચંદ્રને તુંકાર બેોલથી ઉચ્ચાર્યો.

અલકપુરી બોલ્યો:-