આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮

"ગુણના સગા ને માણસના સગા નથી” એ ક્‌હેવત ખરી છે એમ સઉની ખાતરી કરી આપવી એ બીજો સંપ્રદાય હતો. દ્રવ્યનો સંચય થાવ કે ન થાવ પણ કુમાર્ગે ખરચાય નહી અને માણસો ખાઈ જાય નહી એ વાત ઉપર નિરંતર ધ્યાન આપવું એ ત્રીજો સંપ્રદાય હતો. સેના જાગૃત રાખવી અને તેને કસવાના પ્રસંગ આપ્યા કરવા, સેનાપતિનું કામ રાજાએ પોતે જ કરવું અને પાટવીકુંવરને શીખવવું; વર્ણસંકર બાળક પોતાની ગાદીને ભ્રષ્ટ ન કરે તે વીશે અત્યંત સાવધાનપણું રાખવું, શુદ્ધ અને નિકટના વારસોમાં પણ યોગ્ય વારસોમાં જે બાલક રાજ્ય-યોગ પુરુષગુણવાળા હોય તેને અપુત્ર રાજાએ યોગ્ય કાળે દત્તક લઈ લેવો – આ અને એવા બીજા થોડાક સંપ્રદાય આ ભૂપતિઓના કુલસંપ્રદાય ગણાતા. રત્નગરીનો રાજા બીજી રીતે સારો હોય કે ખોટો, નીતિમાન હોય કે દુષ્ટ, પ્રવીણ હોય કે મૂર્ખ, પણ આટલા સંપ્રદાય તો તેને જન્મથી વળગાડવામાં આવતા, અને દરેક રાજા પોતાના પુત્રના ગુણને યોગ્ય પણ સમર્થ પ્રધાન થવા જેવા પુરુષોને વેળાસર શોધી રાખી પ્રધાનકાર્યમાં તેમને પ્રથમથી કેળવતા અને પુત્રની સાથે સ્નેહ-બંધનમાં નાખતા.

રત્નનગરીનું રાજ્ય પ્રાચીન કાળમાં એટલે ચંદ્રગુપ્ત, અશોક, આદિ ચક્રવતી રાજાઓના કાળમાં પણ ઉદયદશા ભોગવતું હતું એ તેની આસપાસ ખોદાયેલી માટી અને પત્થરોમાંનાં ચિન્હોથી અને શીક્કાઓથી સિદ્ધ થયું હતું. શક રાજાઓની સામે રત્નનગરીના રાજાઓએ યુદ્ધ કરેલાં, તેઓ હારેલા અને જીતેલા અને વચમાં શક રાજાઓનું રાજય પણ આ ભૂમિમાં થયેલું તે સર્વ ઈતિહાસ – કીલ્લા, દેવાલયો, સ્તંભો, વાવો, અને એવાં બીજાં પ્રાચીન સ્થળોમાંથી-વિદ્યાચતુરના સમયમાં નીકળ્યો હતો બૌદ્ધધર્મ, જૈનધર્મ, શ્રોતસ્માર્ત સંપ્રદાય, ઇત્યાદિના જય પરાભવ પણ એવાં જ સ્થાનોથી જણાઈ આવતા. પાછલા કાળમાં રાજપુત્રો ઈર્ષ્યા, મૂર્ખતા, આદિ દોષને બળે પરસ્પરને કાપતા હતા તે કાળનું ચિત્ર પણ ક્વચિત્ સમજાતું હતું, મુસલમાન બાદશાહો અને સુલતાનોની ક્રુર ચ્હડાઈઓ પણ અનેકવાર થયેલી, પણ ક્વચિત શૌર્ય બતાવી તો ક્વચિત સામદામભેદ સાધી રત્નનગરીના રાજાઓ પોતાનું સ્વતંત્રપણું જાળવી શક્યા હતા. આ રાજ્યનું એક રીતે ઈશ્વરે રક્ષણ કરેલું હતું. પશ્ચિમમાં સમુદ્રને તીરે અને સુંદરગિરિની બેપાસ આ રાજય પાઘડીપને આવેલું હતું, અને એના ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણમાં બીજાં રજપુત રાજ્યો આવેલાં હતાં તેમની સાથે સંપ રાખી, પરદેશીયો સામે