આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

આપણે બે પરસ્પરની ભુલો સુધારવા બસ છીયે. તું જો કે આ ભાઈઓ હવે અધિક શૌર્યથી, સંભાળથી, અને ચતુરાઈથી યુદ્ધ કરશે - મ્હારે ઠેકાણે તેમને મોકલ્યા તેથી તેમના મનમાં વધારે કાળજી ર્‌હેશે. સામંતે ભુલ કરી તેનું એ ઈષ્ટ ફળ. મને વિશ્વાસ છે કે પ્રાતઃકાળ પ્હેલાં એ જીતીને પાછા ફરશે, પણ યુદ્ધના પ્રસંગ અનિશ્ચિત છે. મ્હારે પણ જવું પડે તો તને કંઈ ક્‌હેવાનો અવકાશ ન મળે. જુની વાતોમાં એવું આવે છે કે યુદ્ધમાં ચ્હડતાં પ્હેલાં અસલના યોદ્ધાઓ પુત્રહીન ગૃહિણીને ગર્ભાધાન કરાવી ઘોડે ચ્હડતા હતા કે તેમનું મૃત્યુ થાય તો તેમના શૌર્યનું બીજ કાળે ઉગે. જયશિખરીયે સગર્ભા રાણીને વનમાં શત્રુ ન પ્હોંચે ત્યાં મોકલી દીધી હતી. એ જ પ્રનાલિકાયે હું મ્હારો સંદેશારૂપ ગર્ભ – તું મ્હારો બ્રાહ્મણપ્રધાન તેના અંતઃકરણમાં - મુકું છું તે ગર્ભનું પોષણ કરજે. સ્ત્રી–બ્રાહ્મણ વધને પાત્ર નથી અને ક્ષત્રિયોના વધપ્રસંગે અવધ્ય સ્ત્રી–બ્રાહ્મણનાં અંતર્માં સંતાડેલા ગર્ભ જીવી શકે છે, વધી શકે છે, અને કાળે કરીને પ્રકટ થાય છે. જો, કોણ આવે છે?

પોતાનો દૂત આવ્યો અને બોલ્યો.

“મહારાજ, તાત્યાટોપીની સેના પડી છે તેના બે સરદાર મ્હારી સાથે નગરને પાદર આવ્યા છે. આપને મળવા ઈચ્છે છે. આજ્ઞા હોય તો પાદરની ધર્મશાળામાંથી તેડી લાવું – અભયવચન આપી લાવ્યો છું.”

“જાતે કેવા છે તે ?”

“એક મરાઠો છે. ઈંગ્રેજી ભણેલો છું એમ ક્‌હે છે. બીજો વૃદ્ધ દક્ષિણી બ્રાહ્મણ છે ને ક્‌હે છે કે શાસ્ત્રી ભણેલો છું ને ગુજરાતી રજવાડામાં રહેલો છું અને હરદ્વારથી સેતુબંધ રામેશ્વરસુધી ને જગન્નાથપુરીથી દ્વારકાસુધી યાત્રાઓ કરી આવેલો છું.”

“એમની સાથે બીજાં માણસ છે?"

"હા,"

“કેટલાં છે ?”

“બે જ, એક હીંદુસ્થાની સીપાહી છે ને બીજો મુસલમાન છે.”

“તું જા, હું જમી રહીને તેડવા મોકલું એટલે લાવજે.” દૂત ગયો. “ જરાશંકર, સામંતની સેના કુચ કરી જાય તે પછી આ લોકને