આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦

તેડવા મોકલજે. એમને અભયવચન આપ્યું છે, એમની સેનાને નથી આપ્યું.”

જરાશંકર ઉભો થયો.

“જરાશંકર, કંપની સાથે સંબંધ બાંધવો કે નહીં તેમાં ત્હારી બુદ્ધિ મને કામ લાગી છે. ભાયાતોની વાતમાં મ્હારી બુદ્ધિ ચાલી છે. આ લોક આવે ત્યાર પ્હેલાં તું આવજે – આમાં આપણું બેનું કામ પડશે.” . “જેવી આજ્ઞા.” જરાશંકર ગયો. ભોજનની આજ્ઞા થઈ. રૂપેરી થાળ અને પ્યાલાઓમાં મલ્લરાજનું સાદું પણ સ્વાદિષ્ટ, તાજું અને બલિષ્ટ, ભોજન આવ્યું. તે જમવા બેઠો. માણસો ગયાં, સામી માત્ર રાણી બેઠી, નેત્રને પ્રસન્ન કરે એવાં વસ્ત્રો પહેરી, બલવાન ઉંચા બાંધાની પણ યૌવનમદની ભરેલી, શૃંગારમાં લડાક, સ્ત્રીધર્મમાં કુલીન અને પ્રવીણ, આનંદભરી, ઉચ્ચ રસથી ઉભરાતી ક્ષત્રિયાભિમાનિની મહારાણી મધુર અને કોમળ પણ સ્થિર વચન બોલતી બેઠી.

“ક્‌હો, મ્હારાં મેનારાણી, આજ શી નવાજુની છે ?” અન્ન મુખમાં મુકતાં પ્હેલાં મલ્લરાજે પુછયું.

“મહારાજ પ્રાતઃકાળ પ્હેલાં યુદ્ધે ચ્હડે છે એવી વાત કાને આવી છે તે વાત ખરી હોય તો એકશયનભાગિનીને તે જાણવાનો અધિકાર હશે ખરો ? ”

મલ્લરાજ હસવા લાગ્યો. “કોણ જાણે, હોયે ખરો ને ન યે હોય ! રાજાઓને અનેક રાણીયો, તેમાં રણભૂમિ સઉથી સુહાગણ. તેનું તેડું આવશે ત્યારે બીજી રાણીઓને પડતી મુકવી પડશે. એ રાણી તમને ક્‌હેવા જેટલો અવકાશ આપશે તો કહીશું ને તમારી પાસે આવવા દેશે ત્યારે આવીશું.”

“સત્ય છે, આપ જેવાઓ રણભૂમિ સાથે શૃંગારવાસના ન રાખો ત્યારે બીજું કોણ રાખે ? મહારાજ, એ રાણીને મ્હોલ પધારો ત્યારે તો આપના શસ્ત્રાલંકાર પ્હેરાવવાનો અમને અધિકાર.”

“હા - હવે હું હાર્યો ને તમે તમારો અધિકાર સિદ્ધ કર્યો ખરો, તો લ્યો કહું છું – આપણી સેના લઈ સામંત ચ્હડી ગયો છે ને મ્હારે ચ્હડવા વારો આવશે કે નહી તે નક્કી થશે ત્યારે તમને કહીશ - જવું પડે તો રાત્રિયે ગમે તે કાળે જવું પડે. લ્યો, વધામણીમાં આ