આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧

"દુધભાતનો સાકરકોળીયો” – રાજાએ રાણીને કોળીયો ભરાવ્યો, રાણીએ લજજાવનત મુખે ભર્યો, કોળીયો ભરાવતાં ભરાવતાં સ્વામીએ અચીંત્યો કપીલદેશે હસ્ત ફેરવ્યો. પતિના દાક્ષિણ્યથી આનંદપ્રકુલ્લ રોમાંચિત રાણીએ સામો કોળીયો ભરાવ્યો. ભોજન કરી શૃંગારવીર રાજાએ રાણીને હાથ ઝાલી અગાશીમાં લીધી. ત્યાં મધ્યાકાશમાં ચંદ્રાર્ધબિમ્બ, રાજાના હસ્તભાગપર અઠીંગાયેલાં ઢંકાયલા વાંકા પડેલા મેનોરાણીના મુખ પેઠે, એકાંતરમ્ય વિહારવડે વિલસતું હતું, રાણીના નેત્રમાંથી જલપ્રવાહ જતો જતો રાજાના હાથપર પડતો ગયો તેમ તેમ રાજા તેને છાતી સરસો ડાબતો ગયો. વધારે વધારે રોતી રોતી રાણી પતિ વિના બીજું કોઈ ન સાંભળે એમ નીચે પ્રમાણે ગાવા લાગી, અને પોતાની ધડકતી છાતી ડાબી રાખવા રાજાના બલવાન ભુજમંડળને ભાનશૂન્ય ખેંચવા લાગી.

“રજપુતાણી જાતની રે ! થારુ[૧] કઠણ કાળજું થાય,
“રણશૂરો થોરો [૨] રણ ચ્હડે ત્યારે આંખડી ભીની ન થાય !
– રજ ૦
“ભેટી લે નાથને બાથમાં, વીરરત્ન ચ્હડે પરદેશ,
“ત્હારે કંઠે છે આજની રાત એ, કાલ રણુભુંયનો ભુંડો વેશ.
– રજ ૦
“ભૂમિ આંસુ પડે આજ, ઘેલડી ! તો તો માનશકુન થઈ જાય,
“કહ્યું ન કરે ભુંડી આખડી, એનાં આંસુ વડે કંથ ન્હાય,
– રજ ૦
“જીતીને આવજો, કંથજી ! વાટ જોતી સમારીશ સેજ,
“પાછે પગલે ન આવશો, નાથજી, કુળદેવીની આશિશ છે જ.
– રજ ૦
“રણે રાતી કરશો, પીયું, આંખડી, ઘેર રાતી આંખે રોશે નાર,
“રણજંગ ભણી જોશે વાટડી, ક્યારે, ખોંખારે ત્હારો તોખાર ?
– રજ ૦
“પળ મળે આજ જે ભેટવા તો તે આવરદાનો સાર;
“રણશુરો થારો[૩] રણ ચ્હડે ત્યારે કેવી તે પડશે સવાર ?
– રજ ૦

  1. ૧. ત્હારું.
  2. ૨. ત્હારો.
  3. ૨. ત્હારો.