આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪

નાનાસાહેબ પેશવાને કાને આવી છે અને તેથી અત્યંત ઉત્સાહથી આપની પાસે અમને મોકલેલા છે.”

“તમે બે જણ નાનાસાહેબ પાસેથી આવો છો? તમને એકલા નાનાસાહેબે મોકલ્યા છે કે બીજા કોઈનો પણ નિરોપ તમારી પાસે છે ? તમને તેમણે જ મોકલ્યા છે તેનો પુરાવો શો?” મલ્લરાજે પુછયું.

“ધન્ય છે મહારાજની બુદ્ધિને !” કેશવ શાસ્ત્રીએ સુભાજીરાવ ભણી જોઈ કહ્યું: “સુભાજીરાવ, મહારાજની બુદ્ધિની કીર્તિ જેવી સાંભળેલી હતી તેવી જ છે. મહારાજ, આપને ખબર હશે કે આલમગીર બાદશાહના કાળમાં મલેચ્છોનો પરાભવ કરવા શિવાજી મહારાજે રણયજ્ઞ આરંભેલો હતો તેવો જ આજે આરંભાયલો છે.”

“આજે તો મુસલમાનો પણ યજ્ઞમાં અધ્વર્યુ થયા છે ”– જરાશંકર પાછળથી બોલ્યો. શાસ્ત્રી વાંકી દ્રષ્ટિ અને કડવું મ્હોં કરી જરાશંકરને ઉત્તર દેવાને તિરસ્કાર કરતો હોય તેમ કરી બોલ્યો, પણ ઉપમા પડતી મુકી બીજી ઉપમા આપી.

“મહારાજ, સમુદ્રમન્થન જેવા કાર્યમાં આજે દેવો અને દાનવો એકઠા મળી કાર્ય કરે છે.”-

મલ્લરાજે હસીને કહ્યું: “જરાશંકર, આ ઉપમામાં તું દોષ ક્‌હાડે એમ નથી, શાસ્ત્રી મહારાજની બુદ્ધિ આગળ પ્હોંચી વળવાનો ત્હેં વૃથા પ્રયત્ન કર્યો.”

“મહારાજ મુજ જેવા શિષ્યોના પ્રશ્નોથી આવા સમર્થ ગુરૂજનોની બુદ્ધિ સતેજ થઈ જાય છે.” જરાશંકર બોલ્યો.

શાસ્ત્રી પ્રસન્ન થયા.

“મને લાગે છે કે તમારી ઉપમામાં બીજો પણ ગૂઢાર્થ છે તે એ કે સમુદ્રમંથનમાંથી રત્ન નીકળવા લાગ્યાં એટલે દેવોએ દૈત્યોને દૂર કર્યા હતા તેમ હાલ પણ ગરજ સર્વે કરવું.”– મલ્લરાજે પુછયું.

“ધન્ય છે રાજનીતિજ્ઞ મહારાજને ! યુક્તરૂપ જ બોલો છે." શાસ્ત્રીમહારાજ ખીલ્યા. મલ્લરાજે પાછળથી જરાશંકરને ક્‌હાણી મારી કાનમાં કહ્યું. “પેશવાઈને યોગ્ય એ જ કૃતઘ્નતા.” – મ્હોટેથી મલ્લરાજે કહ્યું: “શાસ્ત્રીબાવા, રાજકાર્યમાં એ જ કૃતઘ્નતા છે કે ધડમૂળથી જ આ વિચાર રાખવો.”

સુભાજીરાવ જોઈ રહ્યો.