આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬

વિશ્વાસઘાત કરતાં હવે તેમને ડર નથી; આજ સુધી તેમને પૈસાની ભુખ હતી તે પુરી થતી; પણ હવે તેમને જમીનની ભુખ લાગી છે. સાહેબ, બધી ભુખ લાગે તે આદમી પુરી કરે પણ જમીન અને સ્ત્રી એ બેની ભુખ કોઈને લાગે તે આદમીથી તો પુરી નહી પડે – એ જમીનની ભુખ ઈંગ્રેજ બચ્ચાને હવે લાગી. તે હવે કોઈને દત્તક લેવા દેતો નથી. સાહેબ, પેશવાઈ તો આજ કાલની; પણ હમારા શિવાજી મહારાજના પુત્રના સાતારામાં તેમણે શું કર્યું ? હમને તે કેમ ન લાગે ? આપને કેટલાં દૃષ્ટાંત બોલી દઉં ? જુવો, ઝાંસી, જેતપુર, બઘાટ, ઉદેપુર, બુદાવળ, તાંજોર, કચાર, ઓરીસા, નાગપુર, કર્ણાટક, બીરાર, આઉઢ અને એવાં સાહેબને કેટલાં કેટલાં નામ ગણાવું ? કોઈ ઠેકાણે ક્‌હે છે કે દત્તક નહીં લેવા દઈએ, કોઈક ઠેકાણે ક્‌હે છે કે તમારી પ્રજા ઉપર જુલમ કરો છો – ક્‌હો ભાઈ અમારી પ્રજા ઉપર અમે જુલમ કીધો તો પ્રજા વળગતી આવશે – તેમાં તમારા બાપનો શો અન્યાય કીધો ? પણ આ તો બ્હાનાં છે. ઘેટા ને વરુની વાત – ત્હેં ગાળો દીધી નહી હશે તો ત્હારા બાપે દીધી હશે – પણ મને તો ભુખ લાગી છે – તે આ કારણ કહીને કે તે કારણ કહીને તને તો સ્વાહા કરવાનો ! કરારના કાગળ કાગળમાં રાખી લીધા ! લખ્યું ત્યારે લખ્યું ! હાલ શું ! સાહેબ ! આવી બુદ્ધિ થઈ છે તેની પાસે તો તમારું રાજય પણ કુશળ નહી સમજો, હોં ! તમારે તેના પક્ષમાં જવું હોય તો જાવ ! પણ સરત રાખજો કે આવો લાગ ફરી નહીં આવે ! આજ સાતારાનો વારો તેવો કાલ તમારો ! હવે તો એક સંપ અને એક જંપ ! તે લોકની દેશી પ્રજા સમજી છે, તેમનું દેશી લશ્કર સમજ્યું છે, અને દેશી રાજાઓ સમજ્યા છે! શું સાહેબ, જુવો આપણા લોકનું સદ્‍ભાગ્ય ! આજ હીંદુ અને મુસલમીન ઈંગ્રેજને ક્‌હાડવાને એક થયા. દીલ્હીમાં બાદશાહી જાગી અને મહાદજી સિંધિયાના હાથમાં બાદશાહીની લગામ હતી તેમ આજ પણ આપણા હીંદુઓના હાથમાં છે. ઈંગ્રેજને કહાં કહાંથી ક્‌હાડ્યા? મીરત, સહારણપુર, મુઝાફરનગર, ફરૂજાબાદ, કાનપુર અને બીજા કેટલાં ઠેકાણાનું નામ દેઉં ? બધેથી ક્‌હાડ્યા. સીખ, મરાઠી, બંગાળીઓ, પઠાણો, પુરભૈયા, મુસલમાનો, મોઘલો, સઉ લોક એક થઈ ગયા છે. આ આગ આખા દેશમાં લગાડી છે, જો તમે અમારા સરદારોને મદદ દેશો તો