આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮

જરા૦–“તેમના શીવાય સર્વને પ્રત્યક્ષ છે.”

મલ્લ૦–“એમના સંગમાં આપણે દીપીયે ખરા?”

જરા૦–“આપમતલબી કાગડાઓમાં પોપટ દીપે તેટલી વાર.”

મલ્લ૦–“મૂર્ખ પંડિતોએ મરેલા સિંહને સજીવન કર્યાની વાત ત્હેં જ કહી હતી ?”

જરા૦- "હાજી.”

મલ્લ૦–“આમને હા કહીયે તો આપણી પણ બીજી જાતની પંડિતતા ન સમજવી.”

જરા૦–“પણ આ સિંહને સજીવન કરનાર બીજા પંડિતો ઘણા હશે.”

મલ્લરાજ હસી પડ્યો.

“ના. જો. હવે હું એ વાત સમજાવું. આણે મ્હોટાં મ્હોટાં નામ દીધાં તે સાંભળી ભડકીશ નહીં. મ્હેં પાંચ પળમાં વિચાર કરી લીધો છે.”

જરા૦-“ શો?"

મલ્લ૦–“ આ પક્ષ પડ્યા છે તે જો. જે રજવાડા ઈંગ્રેજના પક્ષમાં રહેલા છે તે ગણાવું. કપુરથલા, જીંદ, પતિયાળા, નાભ, આપણા બધાં રાજસ્થાન, પંજાબ અને ટુંકમાં જેટલા જેટલા અસલના વંશના રજવાડા - શુદ્ધ રજપુતો છે તે જો. સઉ ઈંગ્રેજના પક્ષમાં છે. બીજા ધીમે ધીમે હલમલતા હશે તે ઈંગ્રેજનો દિવસ વળશે તેમ પાછા વળશે. હું છેક હિમાચલ સુધીની ખબર રાખું છું.”

જરા૦–“ગાયકવાડ, ગ્વાલિયર, ઈન્દોર, નિઝામ, એ ન ગણાવ્યાં.”

મલ્લ૦–“મ્હેં ન ગણાવ્યાં તો ત્હેં ગણ્યાં. મને જુના ક્ષત્રિય રાજ્ય સાંભરે.”

જરા૦–“પણ ઈંગ્રેજનો દિવસ વળશે ખરો ? આગ બહુ લાગી છે.”

મલ્લ૦–“બ્રાહ્મણ ભાઈને ઝાઝું સાંભરે નહી તો ! મ્હેં કહ્યું જ છે - સ્તો કે ઈંગ્રેજ જીતશે. એ લોકમાં એક કુટેવ છે – પ્રથમ મૂર્ખ થઈ ઉંઘે ને પછી જાગે એટલે જોરાવર."

જરા૦–“ શી રીતે ?”

મલ્લ૦—“આ દત્તકનું વાદળ નકામું ઉરાડ્યું છે. જમીનની ભુખ બધાને હોય તે એમને પણ હોય, પણ મૂર્ખ કેવા કે પ્રથમ દયા આણે, પછી પસ્તાય, પછી ક્રૂર થાય, પછી ખત્તા ખાય અને પછી