આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦

ડરાવી, કોળી – ઘાંચીના છોકરાઓને ગાદીપર લાવે છે – આ ચાલ આમાંથી આરંભાયો છે; પણ રાંડો વિચારતી નથી કે ધણીના વારસ કોળી ઘાંચી કરતાં વધારે સગા છે, ને એ કોળી ઘાંચી ગાદી પર બેઠા પછી તમારું સગપણ જાણશે એટલે નહીં જાળવે, અથવા નહીં જાણે તો પોતાના કુળ ઉપર જઈ નહીં જાળવે. બાકી રજપુત ગાદી પર બેસશે તે તમારી ગેરઆબરૂ નહીં થવા દે.

જરા૦–“ત્યારે આપણે શું કરવું ? પેલા વાટ જુવે છે.”

મલ્લ૦–“છોને જોતાં. સામંતને એટલો સમય મળશે. બાકી આપણે તો વિચાર કર્યો છે જ. આ કાંઈ ઈંગ્રેજ એકલા નથી અને જે લોકના પક્ષમાં આપણે ભળવું જોઈએ તે પણ ઈંગ્રેજના જ પક્ષમાં છે એટલે આપણે બોલ્યો બોલ પાળવાનો છે.

જરા૦—“ બોલાવું ત્યારે ?”

મલ્લ૦–“ જા, બોલાવ.”

ત્રણ જણને જરાશંકર અંદરથી બોલાવી લાવ્યો. સઉએ ઉભાં ઉભાં વાત કરી. મલ્લરાજ તરવાર જમીનપર મુકી તે પર બે હાથ ટેકવી ઉભો અને બોલ્યો.

“અમે તમારી કહેલી વાતનો વિચાર કર્યો છે. તમારા આવતા પ્હેલાં કંપની સરકારને અમે બંધાઈ ચુક્યા છીયે અને બે-બોલી થવાનો અમારો રીવાજ નથી, છતાં તમારા ક્‌હેવાનો વિચાર કરી જોતાં પણ તમારો બતાવેલો ડર અમારા કાળજામાં અડકતો નથી અને બીજી વાતો તો ધુળ ઉપર લીંપણ જેવી છે. માટે રામ રામ.”

સુભાજીરાવને કપાળે ભ્રુકુટિ ચ્હડી અને શાસ્ત્રી ગભરાયા. બે જણ કંઈક બોલવા જતા હતા એટલામાં મલ્લરાજ બોલ્યો.

“દૂત ! આ લોકોને ત્હેં અભયવચન આપેલું હતું તે અમે કબુલી એમને આવવા દીધા અને આપણા રાજયની બ્હાર જવા ટુંકામાં ટુંકો માર્ગ હોય તે માર્ગે થઈ આ રાજ્ય છોડવા એમને બીજી બે ઘડીની જરૂર છે તેને સાટે તેમને ચાર ઘડીનું અભયવચન આપુ છું એટલા કાળમાં આપણા માણસોને સોંપી એમને આપણા રાજ્યની હદબ્હાર છુટા મુકી આવ. પછી પાછા આવશે તો આ રાજ્ય છે ને રાજ્યનો ન્યાય છે. અને જરાશંકર, એવું જણાય છે કે આપણી રજાવગર, આપણને પુછ્યા ગાછ્યા શીવાય કેવળ આપણને ડરાવવા અને હેરાન કરવાના હેતુથી આ લોકનું લશ્કર આપણી હદમાં આવેલું દેખાય છે. તે સર્વ લશ્કરને આપણી સેના રાજયબ્હાર