આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર.
ભાગ ૩.
રત્નનગરીનું રાજ્યતંત્ર.

પ્રકરણ ૧.
સુન્દરગિરિના શિખર ઉપર.

ન્નપૂર્ણાના પ્રતાપના અનુભવાર્થીને તેના પ્રસાદનો અનુભવ થયો. અન્ધકાર અને અરણ્યમાં અશરણ શબ-અવસ્થાના અનુભવને અંતે, ભયંકર વનચરોની ગર્જનાઓ વચ્ચે મરણમૂર્છાએ આપેલી બધિરતાને અંતે, મહાસર્પે આપેલા મરણભાનને અંતે, સરસ્વતીચંદ્રને બાહ્ય ભયમાંથી તારનાર જોગીલોક લેઈ ગયા. ભૂમિશય્યા છોડાવી મોહનપુરીએ પોતાના ખભા ઉપર શય્યા આપી. ભયંકર અંધકારમાંથી બ્હાર ક્‌હાડી ભયંકર દાવાગ્નિના પ્રચંડ ભડકાઓ વચ્ચે થઈને એને લીધો. સુન્દરગિરિના ઠેઠ યદુશૃંગ નામના શિખર ઉપર જોગીયોનો મઠ હતો. પૃથ્વીથી એ મઠ સુધી ચ્હડવાનો ઉભો સાંકડો આડોઅવળો માર્ગ અનેક પથરાઓ અને ખડકો વચ્ચે થઈ ઉંચો ચ્હડતો હતો. સાધારણ મનુષ્યને એટલે ઉંચે ચ્હડતાં શ્રમ પડતો અને શ્વાસ ચ્હડતો અને તે છતાં બે કલાક એ માર્ગ કાપવામાં જતા. ગુરુજીની ગાડી તળેટી ઉપર એક મઠ આગળ તેમાં ર્‌હેનારાઓને સોંપી ગુરુજીસહિત સર્વે જોગીયો આ સુન્દરગિરિપર કલાકમાં જોરભેર ચ્હડી ગયા. એક બીજા વચ્ચે ખંભાફેર કરી તેમણે સરસ્વતીચંદ્રને પણ ઉપર લીધો: મધ્યરાત્રિ વીત્યા પછી એક વાગે સર્વ મંડળ મઠ આગળ પ્હોચ્યું. જેમ જેમ સઉ ઉપર ચ્હડયા તેમ તેમ ત્હાડ વધવા લાગી, અને ઉપર ચ્હડી રહ્યા તેની સાથે સરસ્વતીચંદ્રને ચૈત્રમાસ છતાં ઘણી ત્હાડ વાવા લાગી; પર્વત ઉપરની એ ત્હાડે એના