આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬

આપનાં દુઃખમાં ભાગ લેવાનો અધિકાર એ તો મ્હારો પલ્લાનો લેખ. તે રદ કરવા આપને અધિકાર નથી.”

આ ઉત્તરથી રાજા પ્રસન્ન થયો, અને પ્રસન્ન મુખે આસન ઉપર બેઠો અને રાણીને અંકઉપર આસન આપી તેને ક્‌હેવા લાગ્યો.

“લે હવે મ્હારો ખેદ ગયો એટલે ત્હારો અધિકાર પણ ગયો કે નહી ?"

“આપની પ્રીતિ એવી છે કે આટલાથી છેતરાઈ અધિકાર ખોઉં એમ નથી.”

“સાંભળ ત્યારે, મને કંઈ કારણથી અત્યંત ખેદ થયો હતો તેનો ઉપાય જડ્યો એટલે ખેદ ગયો, જરાશંકર અને સામંતને બોલાવી તેમની સાથે મંત્ર કરીશ ત્યારે હું પુરો સ્વસ્થ થઈશ. સ્વસ્થ થયા પછી રાત્રિયે મેનારાણીના રાજ્યમાં હું બંધનને પ્રાપ્ત થઈશ ત્યારે અથથી ઈતિ સર્વ વાત કહીશ. અત્યારે અધુરી ક્‌હેવી પડશે, મોલ, બેમાંથી તને રુચે તે માર્ગ લેઉં.”

“મહારાજ, અમારો અધિકાર તે તે ધર્મની ગાય લેવાનો, અને એવી ગાયને દાંત હોય નહીં. આપે સ્ત્રીને કાળ રાત્રિ કરી આપ્યો તો તે કાળે હું અધિકાર વાપરીશ - મહારાજ, તે પ્રસંગે વચન પાળવામાં ન્યૂનતા ન રાખશો.”

“બહુ સારું.” રાણી ગઈ, રાજા તેની પાછળ એક દૃષ્ટે જોઈ રહ્યો, તે અદૃષ્ટ થઈ એટલે જરાશંકરને બોલાવ્યો. બારણે સામંત આવ્યો હતો તેને પણ અંતર્‌ બોલાવ્યો.

“સામંત, તું જોઈતો હતો તેવો તું આવ્યો.”

“મહારાજની શુદ્ધ કૃપાનું ફળ, કે મનમાં સેવકને સ્મરો કે સેવક આકર્ષાય.” સામંતે ઉત્તર આપ્યો.

“સામંત, પણ ક્‌હે તું અત્યારે ક્યાંથી ?”

“મહારાજના મનની કાંઈક અવકળા જાણી આવ્યો.”

“ઠીક કર્યું, – જરાશંકર, તું બારણે કેમ જતો રહ્યો ! રાણીએ ક્‌હાડી મુક્યો ?”

“ક્ષમા કરો, મહારાજ, એ બોલ ન ક્‌હેશો ” – જરાશંકર કાને હાથ દઈ બોલ્યો : “મહારાજના મનનું ઔષધ કરવા હું અસમર્થ નીવડ્યો, ત્યારે રાણીજીને મ્હેં જ બોલાવ્યાં.”

“તે ત્હારા કરતાં એની શક્તિ વધારે છે ?” મલ્લરાજે હસીને પુછયું.