આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮

પતિનું દુ:ખ તે પત્નીના દુઃખની પરાકાષ્ટા છે ને તેમાંથી પતિને મુક્ત કરનારી ધર્મપત્નીનો અધિકાર અપ્રતિહત છે; તો મહારાજ, મહાપતિત્રતા એવાં જે રાણીજી તે આપને પ્રસન્ન કરે તેમના તે અધિકાર કે પ્રભાવમાં હું ન્યૂનતા ઈચ્છું તો નરકનો અધિકાર થાઉં. મહારાજ, એમનો એ અધિકાર અને પ્રભાવ અખંડ અને અચલ હો ને એમની પાસેથી નિત્ય અમારી પાસે આમના આમ પ્રસન્ન થઈ આવતા આપને જોવાનું અમારું સદ્‍ભાગ્ય એવું જ અચલ ર્‌હો.”

મલ્લરાજ પુષ્કળ હસ્યો અને સામંતને ક્‌હેવા લાગ્યોઃ “સામંત, જોઈ આ પ્રધાનની કુશળતા ? મને પ્રસન્ન કરવાનું કામ પ્રધાનનું પોતાનું, તે એણે આમ રાણીને માથે નાંખી દીધું ! ભલે, એ એમ પ્રસન્ન થાઓ; હું હવે મ્હારા મનની વાત ક્‌હેવા ઈચ્છું છું તેમાં પ્રધાનનું કામ છે અને તે કરતાં વિશેષ – સામંત !– ત્હારું કામ છે.”

સામંત – “સેવક સાંભળવા તૈયાર છે.”

“જરાશંકર, બે મોટા કાગળ લાવ, તેમાં એક પર લખશે સામંત, અને એક પર લખ તું:” મલ્લરાજે કહ્યું. બે જણે કાગળ લીધા, ને રાજાએ લખાવવા માંડ્યું.

“લખો મ્હારા રાજ્યનાં બે અંગ – એક કારભારીઓ ને બીજું ભાઈઓનું. ” લખાયું.

“લખો. રાજા અને ભાઈઓ તે એક, અને કારભારીઓએ સરત રાખવું કે ભાઈઓમાંથી કોઈ ગમે ત્યારે રાજા થાય પણ કોણ થશે તેની ખબર પડે નહી, માટે બધા ભાઈઓને રાજા થવા જેવા કરી રાખવા કે અભિષેકકાળે આંધળાને આંખવાળો ન ગણવો પડે. લખો.”

જરાશંકર – “લખ્યું, મહારાજ, અતિ ઉત્તમ લેખ લખાવ્યો.”

મલ્લ૦ –“વચ્ચે બોલશો નહી. છાનામાના લખો. આ ભાઈઓએ એમ ગણવું કે રાજય ગાદીવાળાનું છે તે માંહ્મમાંહ્ય તેની સાથે લ્હડશું તો ત્રીજો ઈંગ્રેજ આંગળી ખુંપાવશે, ને આજ રાજાનો વારો આવશે તો કાલ રાજા બને કે ન બન્યે આપણો વારો આવશે, ને રાજ્યમાં હશે તે કુવેથી હવાડે આવશે – માટે કુવાનું ઓછું ન કરવું, ને રાજ્ય બ્હારના વાઘના પેટમાં જશે તો તે કોઈને ભાગ્યે નહીં આવે.” રાજા સામંત સામું જોઈ રહ્યો.