આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦

અને ભાઈઓની સ્ત્રીયોને સ્ત્રીયોપેઠે કનડશે, સ્ત્રીયોમાં મગ્ન થઈ પોતે સ્ત્રીરૂપ થશે, અને ઘરમાં, ઘરબ્હાર, અને અનેકધા રાજાઓ સુદ્ધાંત રજપુતો સ્ત્રીની કળાઓ આચરશે અને પુરૂષો બીજા થશે – બ્હારનાં માણસો અને હલકા નોકરો તેમના પુરૂષો થશે. લખો.”

સામંતની કલમ અટકી, તેની આંખમાંથી આંસુધારા ચાલી. “મહારાજ, હવે મ્હારો જીવ ગભરાયો – મને તમારો વર્તારો ખરો લાગે છે – ચારે પાસના રાજ્યમાં આ થતું જોઈએ છીએ – મહારાજ, હવે તો –”

મલ્લરાજ – “હે મૂર્ખ, એટલામાં સ્ત્રી જેવો થઈ ગયો?”

જરાશંકર–“સામંતસિંહ, જાદવાસ્થળી જાતે જોઈને પછી કૃષ્ણ સ્વધામ ગયા છે – ક્ષત્રિયો લ્હડવાનું તો ગયું – પણ આવો સમય જોઈ ધૈર્ય રાખી, બને તે ઉપાય યોજવા એ ધર્મ સર્વ પુરુષોનો છે તે ક્ષત્રિયોનો હોય એમાં શી નવાઈ? શિવશક્તિનો રચેલો પ્રલયકાલ પુરો થયો તે જોઈ પછી નારાયણ પ્હોડ્યા છે.”

મલ્લરાજે જરાશંકરનો ખભો થાબડ્યો: “શાબાશ, મ્હારા પ્રધાન! સામંત, આ ત્હેં અને જરાશંકરે કહ્યું તે પણ ભેગેભેગું લખ અને રોવું છોડી પુરુષાતન બતાવી હું લખાવું તે પણ લખ.”

સામંત – “ જેવી આજ્ઞા.” લખવા માંડ્યું.

મલ્લરાજ – “ક્ષત્રિયો શૂદ્ર જેવા થશે – તેમને લખતાં વાંચતાં નહી આવડે ને હલકા ધંધા કરશે, હલકાં કર્મ વ્યભિચાર આદિ સર્વ કરશે, પરજાતિની ખુશામત કરશે, હલકા કપટ કરવા શીખશે, ને છાનાં ખુન કરતાં શીખશે.”

“હવે લખ કે ક્ષત્રિયો મલેચ્છ જેવા થશે – મલેચ્છના સર્વ દુષ્ટ વ્યવહાર – દીલ્હી વગેરેમાં જોઈએ છીએ ને સાંભળીયે છીયે તે – પશુદોષ, દુષ્ટતા, ક્રૂરતા આદિ તેમનામાં આવશે - પણ તેમના ગુણ તેમનામાં નહી આવે. લખ, લખ, કે, બ્રાહ્મણ, વૈશ્ય, સ્ત્રી કે શૂદ્ર સર્વેના દોષ તેમનામાં આવશે – ગુણ એકેનો નહી આવે.”

“હવે શું લખ્યું તે, સામંત વાંચી બતાવ.”

સામંતે વાંચ્યું.

જરાશંકર – “મહારાજ, આવો પ્રલયકાળ તો નહી આવે.”

મલ્લરાજ – “તું શું સમજે? આ પ્રલયકાળનો યુગ બીજાં રાજ્યોમાં બેસી ચુક્યો છે – એક રત્નનગરીમાં સત્યયુગ પ્રવર્તે છે.”