આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

જરાશંકર – “ને હજી પ્રવર્તશે.”

મલ્લરાજ – “સામંત, પ્રવર્તશે - જો તમે સઉ આશ્રય આપશો ને સઉ પુરુષપ્રયત્ન કરીશું તો તે છેલે સુધી પ્રવર્તશે. તેના ઉપાય બતાવું?”

સામંતે નિઃશ્વાસ મુક્યો. “મહારાજ, સમુદ્રે મર્યાદા મુકવા માંડી ત્યાં માણસ શું કરશે ?”

મલ્લરાજ – “અરે જા ! મ્હારા ભા ! લખ, લખ, હવે લખાવું તે.”

સામંત – “બોલો, મહારાજ !”

મલરાજ – “હવે સઉના ઉપાય કહું છું.”

પ્રથમ. લખ કે યુદ્ધ કરવાનો પ્રસંગ તો નહી આવે, પણ યુદ્ધકળા પૃથ્વી નીચે ઉંડી ખાણમાં રાખી મુકી હશે તો આજ નહીં ને બસે વર્ષે કામ લાગશે, જરાશંકર રામાયણ ને મહાભારતનાં બુદ્ધિરત્ન આજ કામ લગાડે છે; બ્રાહ્મણોએ હજારો વર્ષ ગોખણીયા ગોખી ગોખી રાખેલાં તે આજ તેમાંથી કામે લગાડે છે. આપણા ક્ષત્રિયોએ પણ હવે એ માર્ગ લેવો. માણસ સાથે લ્હડવાનું બંધ થાય તો આપણા જંગલમાં સિંહ વાઘ લ્હડવાને બહુ પડ્યા છે - તેની સાથે લ્હડવું, જીવવું વ્હાલું થઈ ન જાય માટે તેની સાથે લ્હડીને મરવાની ટેવ રાખવી, ને હથીયાર અવનવાં જે થાય તે સચોટ વાપરવાની આવડ રાખવી. આ કામ સારું મ્હારા જંગલનો ભોગવટો મ્હારા ભાઈઓને સોપું છું. ભીલટોળીને કે પરદેશીઓને તેમની અને રાજાની રજા વગર એ જંગલમાં શીકાર કરવાનો નહીં, ઈંગ્રેજો અતિથિ થઈ આવે ને આંખની શરમ પડે તો શીકાર કરે પણ મ્હારા ભાઈઓ કે છોકરાઓ વગર એકલો ન કરે. મ્હારી ગાદીના વારસો આ કામમાં અગ્રેસર ર્‌હે ને માથું વ્હાલું ન કરે. એક રાજા મરે તો બીજો તૈયાર રાખવા જેવા મ્હારા ભાઈઓને રાખવા. મ્હારા ભાઈઓનાં શસ્ત્ર સારાં રાખવાં અને એમને આ કળામાં ભોમીયા રાખવા એ મ્હારા વારસોનું કામ, ને હવે માણસોની લ્હડાઈમાં ચ્હડી મ્હારી નોકરી કરવાનું મટ્યું તેને સટે મ્હારા ભાયાતો, આ નોકરી કરે. પરદેશમાં યુદ્ધકળા શીખવા યુદ્ધ કરવા અથવા જ્યાં માથું કોરે મુકી રજપુતનું કામ કરવું પડે ત્યાં મ્હારા ના વારસે ભાયાતોને મોકલવા ને તેમણે જવું – આ શીકારનાં ઉપરાંત.”

સામંત પ્રસન્ન થયો, “વાહ, મહારાજ વાહ !”