આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨

જરાશંકરે મુખ બગાડ્યું, “મહારાજ ! રાજાને વારસો સાથે શીકારમાં મોકલવા, અને નકામું મૃગયાવ્યસન પાડવું એ માર્ગમાં મને બહુ અધર્મ અને વિપરીત પરિણામ ભાસે છે –”

મલ્લરાજે ધૈર્ય ખોઈ અટકાવ્યો: “બસ, બસ, બ્રાહ્મણ, એ તું ન સમજે - લખાવું તે લખ ને મ્હારી આજ્ઞા બરોબર પળાય તે જોવું - તને મ્હારી આણ છે. આપણે તકરારો કરવા નથી બેઠા. માત્ર કહું તે લખે ને તે પ્રમાણે કરો.”

જરાશંકર – “જેવી આજ્ઞા.”

મલ્લરાજ - “બીજું. લખ. ભાયાતો અરસપરસ લ્હડે ત્યારે મ્હારા ધર્માધિકારીયો છે જ. પણ તેમને રાજ્યસાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા. પંચમાં એક મ્હારો પ્રધાન, બીજો પંચ રાજાના કુંવરો મુકીને પછીથી જે રાજાના વારસ થતા હોય તેમાંથી ઠાવકી ઉંમરનો ભાયાત, ત્રીજો પંચ વાદી કે પ્રતિવાદી ભાયાત જેને નીમે તે ભાયાત - મુત્સદ્દિ નહી, - એ ત્રણ પંચ એક મત થઈને જે ચુકવે તે છેવટનો ન્યાય; ત્યાં તકરારી ભાયાત જાતે કે પોતાના જુના કારભારી સાથે આવે ને સંસ્થાનમાંથી દફતરી આવે. પંચને એકમત થાય નહી તો ફરી પંચ નીમવા, તેમાં પ્રધાન જાતે બેસે કે બીજાને નીમે, અને બીજા દશ વૃદ્ધ ભાયાતોનાં નામ ભાયાતસમસ્ત વધારે મતથી દે તેમાંથી બે જણને રાજ્ય તરફથી કબુલ કરવા ને એ ત્રણ પંચ એકમત થાય કે ન થાય પણ વધારે મતે જે ચુકવે તે ન્યાય. મ્હારા ભાયાતોમાંથી વૈશ્ય યુદ્ધ દૂર રાખવાનો આ શીવાય બીજો માર્ગ નથી.”

ત્રીજું લખો. ભાયાતો ૨ાજ્ય શીવાય કોઈને ત્યાં ગ્રાસની જમીન વેચે કે ગીરવે નહી, અને ધણીધણીયાણી અને દીકરો એમ ત્રણ જણ જેટલી વસ્તીને ખાવા પુરતો ગ્રાસ ર્‌હે નહી ત્યારે તે જમીન દરબાર વેચાતી લે.”

ચેાથું. હવેથી નવા ગ્રાસ આપવા વખત ગ્રાસ લેનારને રાજાની મરજી પડે તેટલી જમીનને ઠેકાણે જમીનની કીંમતથી બેવડા પઈસા આપવા ને તેટલી જમીન રાજ્યમાં રાખી બાકીની જમીન આપવી.

“ જે ગ્રાસીયો રજપુતની કળાઓ ન શીખે અથવા રજપુતાઈ મુકી બીજી વર્ણનો કે સ્ત્રીને આચાર પકડે અથવા ઉપરની સરતો તોડે તેને ભાયાતસમસ્ત પાસે ન્યાય ચુકવાવી તેઓ ઠરાવે તેટલા તેના