આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪

કે કોઈ રાજ્યનો રાજા ક્‌હેશે કે હું રાજ્ય છોડું ને બીજાને આપું ત્યારે ઈંગ્રેજ બચ્ચાને નિમિત્ત મળશે ને ક્‌હેશે કે તમે રાજ્ય છોડ્યું તો સ્વતંત્ર છો, પણ છોડીને બીજાને આખી બધી પ્રજાની પ્રજા સોંપવા તમને અધિકાર નથી – માટે એ અધિકાર તો અમારો છે તે તમે જાવ ને બીજાને નહી આપવા દેતાં અમે જ તમારે ઠેકાણે બેસશું. રાજ્યનું દાન કરી દેવાનો કાળ છે ત્યાં સુધી તેમ કરી રાજ્યનું ક૯યાણ મને કરી દેવા દે.”

જરાશંકર – “મહારાજ, છે તેમનું તેમ ચાલવા દ્યો-”

મલ્લરાજ – “બસ, જરાશંકર, બસ. જે વચન મ્હારા મુખમાંથી નીકળ્યું છે તે મ્હારા અધિકારીયોએ આજ્ઞા સમજવી. એમાં મને અત્યંત હાનિ હોય તો તે મ્હેં સ્વીકારી છે ને મ્હારા ભાઈઓને વાસ્તે હું તે ખમીશ. ભાયાતો એથી ઉલટું સમજે તો તેમને વિશ્વાસ આણવા સામા ત્રાજવામાં હું મ્હારું રાજ્ય આપવા તત્પર થાઉં છું. રાજ્યના હિત વાસ્તે રાજ્યનો ત્યાગ કરતાં મને અટકાવવા કોઈને અધિકાર નથી. મ્હારી રાણીને અધિકાર હોય તો તેને તો તે જોઈતું જ નથી. સામંત, જા – અને સર્વ ભાઈઓ જેનું નામ દે તેને પ્રાતઃકાળે મ્હારી કહેલી સરતે આપી દેવા તત્પર છું.”

સામંત – “મહારાજ–”

મલ્લરાજ - “બસ, આ આનંદના અવસરમાં એક પળનું વિઘ્ન ન જોઈએ. જા.”

સામંત – “મહારાજ–”

મલ્લરાજ - “બસ. જા. આજ્ઞા છે.”

સામંત – “મ્હારું સાંભળો નહીં ત્યાં સુધી આ આજ્ઞા પાળવી મુલતવી રાખવી એ આપના ભાયાતોને અધિકાર છે.”

મલ્લરાજને હસવું આવ્યું, “ચાલ, બોલી જા – પણ ટુંકું બોલજે – ભાષણ ન કરીશ.”

સામંત – “મહારાજ, આપના ભાઈઓ વગરસરતે આપની આજ્ઞા પાળે છે અને આપના વાક્યમાં અધર્મ હોય નહી એવી શ્રદ્ધા રાખે છે. છતાં આજ્ઞાથી પળાવવું મુકી દેઈ તેમની સંમતિ માગવી, અને રાજ્ય છોડવાની સરત કરી તેમને આપના વચન ઉપર અવિશ્વાસ થશે એમ જણવવું – આ સર્વ આપના ભાઈઓની