આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯

માન આપે, કીર્તિ આપે, દ્રવ્ય આપે, અને તેના બદલામાં, સર્વની પ્રીતિ લે. વીલાયતમાં શિક્ષા કરે ન્યાયાધીશ, પણ રાણીને કોઈનો વાંકો વાળ કરવા અધિકાર નથી, તે તો માત્ર ક્ષમા કરે : અપરાધીને ન્યાયાધીશ શિક્ષા કરે તે શિક્ષા રાણી સ્વીકારે - રદ ન કરે - પણ પોતાની કૃપાના સાગરની લ્હેરવડે શાંત કરે. રાજાને જે કાંઈ વિપરીત કહેવું હોય તે પ્રધાનના કાનમાં ક્‌હે તે જગત જાણે નહીં ને જગત દે તે ગાળો ખાવાને સમર્થ હોય તે પ્રધાન, આમ કાનમાં આવે તે મંત્ર, અને તે મંત્રનો મંત્રી રાજાની જ આપેલી શક્તિ*[૧] રાજાની જ ઈચ્છા પ્રમાણે જગતમાં વાપરતાં સામા પ્રહાર સહે; અને રાજા આવા કામમાં શું કરે છે, શું ધારે છે, અને એનું બીચારાનું કાંઈ ચાલે છે કે નહી એ સર્વ વાતમાં સામાવાળાઓ તેમ પ્રજા કાંઈ કલ્પના જ ન કરી શકે ત્યારે સર્વેની રાજા ઉપરની પ્રીતિની ધારા નિત્ય નિરંતર વહ્યાં કરે તો જ રાજ્યનું રાજ–અંગ અખંડિત રહે. મહારાજ, આપનું જ મને ક્‌હેલું વચન હતું કે રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એક ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ સત્યવાક્ય મ્હારા અંતર્માં જડેલું છે. મહારાજ, આ ક્રમે અખંડ રાખવા જેવો રાજવૃક્ષ તેને નિરંતર લોક-પ્રીતિના પાન શીવાય બીજો પદાર્થ કુપથ્ય છે, અને તે વૃક્ષ ઉપર અકાળે ન્હાના મ્હોટા કુહાડાના પ્રહારો થવા દઈ વૃક્ષને કુત્સિત કરવું અયોગ્ય છે, માટે જ રાજાઓની જોડે પ્રધાનનો ખપ; અને તેથી જ જે રાજાઓ જાતે પ્રધાન થાય છે તે રાજ–અંગનું અંગત્વ હીન કરે છે. અનેક પ્રાણીયોના આશ્રયરૂપ રાજવૃક્ષને તો મહાન પવનના ઝપાટા શીવાય બીજાની સાથે યુદ્ધ જોઈએ જ નહીં. મહારાજ, આ ભાયાતોની સાથે આથડી મરવાનાં કામમાં આ મ્હારા ક્ષુદ્ર શરીરનો ઉપયોગ આપને કેમ ન સુઝ્યો ? અને આ કાર્યમાં રત્નનગરીના રાજ-અંગને આગળ કેમ ધકેલ્યું ?”

મલ્લરાજ આ સર્વ ભાષણ ઉત્સાહ, પ્રીતિ અને આનંદથી સાંભળ્યાં કરતો હતો - એની પ્રીતિ આજ જરાશંકર ઉપર સોગણી વધી.

“મ્હારી રત્નનગરીના પ્રધાનરત્ન ! ત્હારું બોલવું ઉત્તમ છે - સત્ય છે - અને તે સર્વનો વિચાર કરી આ કામ મ્હેં આરંભેલું છે. ભાયાતોને ન્યાય ચુકવવામાં નિત્ય આથડી મરવાનું કામ કરવાના પંચમાં


  1. *તરવાર