આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨

પ્રધાનમાં ન પરવડે એવો અવગુણ હોય તો તે પ્રધાનને તરત ક્‌હાડવો, પણ રાખવો તો એને સર્વથા રક્ષવો અને એના ચિંતાભારમાં રાજા અને તેના કુટુંબીઓ તરફથી નવો ભાર ન ઉમેરવો. પ્રધાનનું કામ રાજ ઉપર અંકુશ રાખવાનું છે તો તેના કુટુંબીઓને નિયમમાં રાખવાનું હોય તેમાં શી નવાઈ? આથી ઘણે સ્થળે રાજકુટુંબ અને પ્રધાન બે વચ્ચે વિરોધ હોય છે ને પ્રધાન પોતાની ચિંતામાં રાજ્યનું કલ્યાણ યોગ્ય રીતે કરી શકતો નથી. રાણી, માટે સરત રાખવી કે આપણા કુટુંબમાંથી કે સેવકવર્ગમાંથી કોઈપણ પ્રધાનની આજ્ઞા લોપે નહી અને એના વિરુદ્ધ આચરણ કરે નહી.”

“મહારાજ, રાજ્યકાર્યમાં પ્રધાન આપનું અંગ છે - તેને અમારા દોષ જાણવા અને સુધારવા પૂર્ણ અધિકાર છે તે વાપરવામાં તેને ઉદાર આશ્રય આપજો અને આ રંક દાસીની કાંઈ ભુલો થઈ હોય તે આપને મુખે કહી એટલું એના મનને બળ આપજો.” રાણી બોલી.

મલ્લરાજ – “પ્રધાનજીના રાજ્યકાર્યમાં તું તેને પ્રતિકૂળ ન થતાં જાતે હરકત વેઠી આશ્રય આપે છે તે વીશે તે ઘણી ઘણી વાર મ્હારી પાસે ત્હારો ઉપકાર માને છે અને બીજા રાજ્યની પેઠે આ રાજ્યમાં અંતઃપુરનો તેને વિરોધ નથી – તેના સામે ખટપટ નથી, એટલું જ નહી પણ રાજ્યનું હિત ધારી તેણે કરેલી આજ્ઞાઓ પાળતાં રાણીજીને દ્રવ્યસંબંધી હાનિ પ્હોંચે છે તે છતાં તેમની અનુકૂળતા છે. માટે પ્રધાન પોતાને ધન્યભાગ્ય માને છે.”

રાણી – “આપના છત્ર નીચે બેસી એટલો ગુણ ન લઈએ તો અમારા કુળને લાંછન લાગે.”

મલ્લરાજ – “ઈશ્વરની કૃપા હોય છે ત્યારે સર્વ વાનાં યથેષ્ટ હોય છે અને સર્વની બુદ્ધિઓ ઉત્તમ થાય છે. એ કૃપાના પ્રવાહને સાધારણ રીતે માણસો ભાગ્યનો પ્રવાહ કહે છે, રાણી, ત્હારી અને મ્હારા ભાઈઓની બુદ્ધિ મ્હારા ઉપર ઈશ્વરની કૃપા સૂચવે છે.”

રાણી - “મહારાજ, એ ભાઈઓની સદ્‍બુદ્ધિનો આપે બદલો વાળવો જોઈએ. રાજાઓનો કોપ અને રાજાઓના પ્રસાદ નિષ્ફળ જવા ન જોઈએ?"

મલ્લરાજ - “ભાઈઓનો બદલો વળાય એમ જ નથી. એમણે મ્હારું એવું મહાભારત કામ કર્યું છે.”