આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪


મલ્લ્લરાજ – “તમે તે સર્વેને ઓળખો છો.”

રાણી – “મહારાજ, બોલી દ્યો હવે.”

મલ્લરાજ – “પહેલી મ્હારી બુદ્ધિ - એ મ્હારાં ન્હાનપણનાં પટરાણી. એને પુછ્યા વિના તો કાંઈ થાય જ નહીં. બીજાં રાણી આ રત્નનગરી – એમના મંત્રની બાંધછોડ કરવાનો ધર્મ ચુકું ને તમને વધારે વ્હાલાં ગણું એમ ન થાય એવો તેને વશ છું, ત્રીજી રાણી મ્હારી રણભૂમિ - તે બોલાવે ત્યારે તમને, ઉઘતાં હો તો ઉંઘતા ને રોતાં હો તો રોતાં મુકી જવું પડે. પછી તમે – તે ત્રણે તમારી વડીલ બહેનોને પુછ્યા વગર તમને કંઈ પારિજાતક આપું તો આ ત્રણે રાણીઓ સત્યભામાના કરતાં મ્હોટું રુસણું માંડે ને અમે સૂર્યવંશીઓમાં શ્રીકૃષ્ણ જેવી કળા મળે નહી કે બધાનાં મન મનાવી શકીએ.”

રાણી – “મહારાજ, હું યે ત્યારે આ વાત ઉઘાડી કરી માગું છું - શું કરવા મોઘમ વરદાન માગું ? – કે –”

મલ્લરાજ – “કે - શું ? બોલી દ્યો.”

રાણી – “તમારાં આ ત્રણ માનીતાં પછી એક ચોથાં વસાવો ને મને પાંચમી રાખો.”

મલ્લરાજ – “ તે કોણ ?”

રાણીને વિનોદરૂપ બદલી ગંભીર વાર્તા કરી.

“મહારાજ, સામંતસિંહે એમનાં ઠકરાળાં જોડે મ્હારી મારફત આપને વીનંતી કરાવી છે કે, રાજ્યને રાજગુણોવાળા પુત્રો આપવામાટે અને એવા પુત્રો વિનાની ગાદી ર્‌હે નહી માટે અનેક અને ઉચ્ચ કુળની રાણીઓ સાથે ધર્મયુક્ત રાજાઓએ વિવાહ કરવો એવો શાસ્ત્ર પ્રમાણે અને વ્યવહાર પ્રમાણે સંપ્રદાય છે માટે મહારાજે પણ એ સંપ્રદાયનો લાભ રત્નગરીને આપવો ઘટે છે.”

મલ્લરાજ – “તમારા ભણીથી આ સંદેશામાં કાંઈ ઉમેરવું છે ?”

રાણી – “મહારાજ, જે સ્ત્રી જાતે સફળ ક્ષેત્ર નીવડી નથી તેવી સ્ત્રી સ્વભાવિક રીતે સ્વામીની વંશવૃદ્ધિ અને રાજ્યની સંપત્તિ ઈચ્છી આપ જેવાના સંસારનું જગતને ફળ મળેલું જોવાનો પ્રયત્ન કરે – ”

મલ્લરાજ - “અને જે સ્ત્રી ...પોતાનું...ગળું...કાપવાનો...માર્ગ... મોકળો...કરે - "