આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦

પ્રીતિ ઉપર ચક્રવર્તી સત્તા વાપરવાનો તેને ઈશ્વરે આપેલો અધિકાર રજ પણ કમી કરવાનું પાપ, – આવા અન્યાયનું કામ અને આ પાપ મ્હારી પ્રજાના ઘરમાં થયેલું જોવાને ન ઈચ્છું તો, હું જે તેમનો રાજા તેના ઘરમાં તે રાજાને જ હાથે થાય એવું હું કદી કરનાર જ નથી. આજસુધી – મંત્ર થતા સુધી – આ વાત કરવાનો તને અધિકાર હતો. હવે મ્હારો સિદ્ધાંત જાણ્યા પછી જે કોઈ આ વાતનો એક શબ્દ મ્હારા કાનમાં પાડશે તેણે મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો ગણીશ અને તેને શિક્ષા કરીશ. જરાશંકર, સામંતને, તને, રાણીને, અને સર્વને આ મ્હારી આજ્ઞા છે તે તેમને સર્વને વિદિત કર અને તું જાતે ભુલી જશે તો રામે લક્ષ્મણની વલે કરી હતી તેવી ત્હારી પોતાની થઈ સમજજે.”

જરાશંકર – “મહારાજ–”

મલ્લરાજ – “બસ, એકપત્નીવ્રતવાળો પતિ અને તેની ધર્મપત્ની - તેમની બેની વચ્ચે ત્રીજે કોઈ – પવન પણ - અંતરાય નહીં પાડે. પ્રધાનની સાથે મંત્ર કરી સિદ્ધ થયેલી મ્હારી આજ્ઞાને હું રાજા કે તું પ્રધાન કોઈ નહી તોડે.”

જરાશંકર – “મહારાજ–”

મલ્લરાજ - “એક શબ્દ નહી સાંભળું. હું આજ્ઞા કરી ચુક્યો.”

જરાશંકર– “માન્ય કરું છું – મહારાજ – એ આજ્ઞાને.”

મલ્લરાજ – “ત્યારે પછી શું ક્‌હેવા જતો હતો ?”

જરાશંકર – “આપના જેવા ધર્મરાજની સેવા કરતાં થતો આનંદ જણાવવા જતો હતો.”

મલ્લરાજ – “રાજાની સ્તુતિ કરવી એ ભાટચારણોનું કામ છે તે તો હું જાણતો હતો. પણ પ્રધાનનું હશે તે આજ જ જાણ્યું.”

જરાશંકર – “ક્ષમા કરો, મહારાજ, શબ્દફેર થયો. આપની આજ્ઞા જાણી હું અતિ પ્રસન્ન થયો.”

મહારાજ – “ઠીક થયું.”

આ વાર્તા થયા પછી કેટલેક વર્ષે મલ્લરાજ અને મેનારાણીની નિર્મલ પ્રીતિનું ફળ આપવાનો સંકેત ઈશ્વરે જણાવ્યો. રાણી સગર્ભા થઈ. એ ગર્ભને ગર્ભદશામાંથી રાજપદને ઉચિત સંસ્કાર આપવા મલ્લરાજે ચિંતા કરવા માંડી. એક દિવસ રાજગૃહમાંથી અંતઃપુર જતાં જતાં વિચાર કરવા માંડ્યા.