આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેના મનમાં શબ્દ સ્ફુરવા લાગ્યા, “આ પણ વિચિત્ર ભૂમિ દેખાય છે. જ્યાં આમ વર્તારા વર્તાય છે અને તે ઉપર શ્રદ્ધા રખાય છે એમાં પણ કાંઈ જોવાનું હશે.” જોગીયોની વાતે વિચાર બંધ પાડ્યા.

“હા, ભૈયા, એની બુદ્ધિમાં કંઇ ચમત્કાર તો છે. ગુરુજી એને શું કરવાનું ધારે છે ?”

“એ તો હરિ જાણે. પ્રાતઃકાળે એમનો સમાધિ પૂર્ણ થાય તે પછી એને એમની પાસે લેઈ જવાની આજ્ઞા કરી છે. ત્યાંસુધી એની સેવા કરવાની આજ્ઞા છે.”

“મને તો લાગે છે કે આપણા મઠનું રહસ્ય એને મોડું વ્હેલું આપશે.”

“એ તો જેવો અધિકાર. અલખ જગાવવો એ કાંઈ ન્હાનીસુની વાત નથી.”

“જયારે આવો વર્તારો વર્ત્યો છે ત્યારે આટલો અધિકાર તો હશે જ.”

“રાધેદાસ ! એ તો જે થવાનું હશે તે થશે, આપણી નિત્યકથા ચલાવો. સૂર્યોદય થતાં વાર નહી લાગે.”

“આજ શી ચર્ચા ચલાવશું ?”

“તને કાલનો કંઈ વિચાર થયાં કરે છે.”

"હા.”

"શો ?"

“ગુરુજી સાથે કાલ ભિક્ષા લેઈ પાછા આવતા હતા એવે સંધ્યા થઈ ત્યારે એક વડ નીચે પડાવ નાંખી વિશ્રામ લેતા હતા અને હું ગુરુજીની સેવા કરતો હતો; ત્યારે પોતે બે ચારેક મંત્ર બોલ્યા. તેનો અર્થ મ્હેં પુછ્યો ત્યારે બોલ્યા કે બચ્ચા આજ નહીં, વિચાર કરી અધિકારી થા – રહસ્યશ્રવણનો તું આજ આટલો અધિકારી થયો – રહસ્ય - અર્થનો અધિકારી તું થશે ત્યારે તેનું શ્રવણ કરાવીશ.”

“સાચી વાત છે. સર્વ અધિકારને અંગે છે.”

“હા, પણ તમને અર્થ અજાણ્યો નહી હોય. ગુરુ અધિકારી વગર બીજાને દાન ન કરે, પણ હું તો તમારો સબ્રહ્મચારી છું.”

“સાચું બોલ્યો. આપણે તો પરસ્પર-વિબોધનનો ધર્મ છે. બોલ જોઈએ – એ મંત્ર શા છે ?”

રાધેદાસ જરીક વિચારમાં પડી, સ્મરણ આણી, ધીમે ધીમે બોલ્યો.

“ગોકુલમાં ગોકુલ ચરે, ગોપાલક ગોપાલ;
"નંદસદન નંદન થઈ મધુરિપુ ભાસત બાલ.”