આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫

પાનનો ત્યાગ કરે ત્યાંસુધી રાણીજીએ, આપના મંદિરને માત્ર હૃદયમાં રાખી, સર્વદા માતાજીને મંદિર વસવું, અને તેમ કરવા દેવા આપે એમને આજ્ઞા આપવી, એવી માતાજીએ આપને વિજ્ઞાપના કરી છે.”

મલ્લરાજ – “મધુમક્ષિકા, માતાજી મ્હારી આટલી ચિંતા કરેછે તે તેમની વત્સલતાથી હું ઓશીંગણ થયો છું. એમની આજ્ઞા એ મ્હારા ઉપર કૃપા જ છે અમે સમજું છું. આજ સાયંકાળ પ્હેલાં એ આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુવર્તન થઈ જશે.”

મધુ૦ - “મહારાજ, મંગળવિયોગનું મુહૂર્ત કાલથી છે માટે જ આજ રાત્રે રચવાના પ્રણયકલહનો માર્ગ હું દેખાડતી હતી.”

મલ્લરાજ – (હસી પડી) “એમ કરો ત્યારે પણ એક ઘડીમાં ત્હેં આટલું શીખવ્યું તો હવે પછીનાં બે વર્ષમાં તો કોણ જાણે તું કેટલું શીખવીશ ?”

મધુ૦ – “મહારાજ, અમે દાસીઓની શક્તિ તો આવાં માર્ગપર દીવો ધરીયે એટલી; પણ એ દીવા વડે આઘે સુધી એક કટાક્ષવડે જોઈ લેવું એ તો ક્ષત્રિયાણીઓની શક્તિની વાત છે. મહારાજ, આપના કિંકર આપના હાથમાં તરવાર આપે પણ વાપરવાની શક્તિ તે તો આપની જ.”

મલ્લરાજ – “ઠીક. માતાજીની બીજી શી આજ્ઞા છે?”

મધુ૦ - “માતાજીએ ક્‌હાવ્યું છે કે રાણીજી મ્હારે મંદિર આવશે ત્યારે પછી તેમના તથા ગર્ભ-બાળના સંસ્કાર માટે જે જે સંકલ્પ કુળાચાર પ્રમાણે નિર્ધારેલા છે તે લક્ષમાં રાખવા આપે પણ વારંવાર એમને મંદિર આવ્યાં જવું કે માતાજીનો દેહ ન હોય ત્યારે ગર્ભવતીની સંભાવનાના આચાર-વિચારનું જ્ઞાન રાજકુળમાંથી નષ્ટ ન થાય. મહારાજ, આમાં બીજો હેતુ એવો છે કે આપણી ક્ષત્રિયાણીઓને સ્વામીનું દર્શન ક્યારે દુર્લભ થઈ પડશે તે ક્‌હેવાય નહી, માટે આ દુર્લભ લાભના પ્રસંગ, યુદ્ધકાળવિના બીજા નિમિત્તે ક્ષત્રિયાણીના ભાગ્યમાંથી ઓછા કરવા ઘટતા નથી; અને વળી પતિવ્રતા ગર્ભવતીને પતિદેવના દર્શનને અને તેના ઉપદેશને આનંદ પામવાનું દોહદ નિરંતર રહ્યાં કરે છે અને તે દોહદ પુરવાથી ગર્ભ ઉપર પિતાની છાયા સંપૂર્ણ થાય છે; માટે મહારાજ, બ્રહ્મચારી છતાં આપે આટલી મર્યાદામાં ગૃહસ્થાશ્રમ રાખવો એ આપનો બીજે કુળાચાર માતાજી આપને જણવે છે."