આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬


મલ્લરાજ – “મધુમક્ષિકા, એ કુળાચાર પણ હું પાળીશ.”

મધુο – “મહારાજ, તારાઓ વચ્ચે શુક્ર ઉગી ર્‌હે તે કાળે ચંદ્ર શુક્રની પાસે આવે તેમ દાસીઓ વચ્ચે ગર્ભવતી હોય તે કાળે જ માત્ર આપે જાતે આવી દર્શન આપવું.”

મલ્લરાજ –“એ વિધિ હું સંપૂર્ણ રીતે પાળીશ.”

મધુο – “મહારાજ, હલકી વર્ણમાં હલકાં દોહદ[૧] હલકા સહવાસથી થાય છે; આપના કુળમાં ઉચાં દોહદ ઉત્પન્ન કરવાના માર્ગ લેવાય છે. સુન્દરગિરિ ઉપરના મહાત્માઓનાં દર્શન ગર્ભવતીને વારંવાર કરાવવાથી ગર્ભનો આત્મા શુદ્ધ થાય છે; સુરગ્રામમાં રમણીય દેવસ્થાનોનાં દર્શન ગર્ભવતી કરે તેથી ગર્ભની બુદ્ધિ પવિત્ર સુન્દરતાથી સંસ્કારી થાય છે; મહારાજ, ગર્ભવતી સુન્દરગિરિનાં શિખર ભણી દૃષ્ટિ કરે ત્યારે ગર્ભની બુદ્ધિ અભિલાષ ઉંચા કરતાં શીખે છે. ગર્ભવતી શીતળ પવનવાળા રત્નાકર પાસે ઉભી ઉભી આનંદ પામે અને સામેના આકાશ ભણી જુવે તેમ તેમ ગર્ભની બુદ્ધિમાં શાન્તિ અને ગંભીરતા સ્ફુરે છે અને દૂર દૃષ્ટિની સ્થાપના થાય છે; આપના અરણ્યની શોભા ગર્ભવતીના નેત્રમાં જાય ને પુષ્પોનો સુવાસ તેના કાનમાં જાય તેમ તેમ ગર્ભનું પ્રફુલ્લ આનંદ–શરીર બંધાય છે; ત્યાંના સિંહ અને વાઘની ગર્જનાઓ શૂર હૃદયની ક્ષત્રિયાણી સાંભળે તેમ તેમ ક્ષત્રિય પુરુષોનાં જીવન જેવાં શૈાર્ય અને ધૈર્ય ગર્ભની નસોમાં માતાના રુધિરદ્વારા ચ્હડે છે. મહારાજ, ગર્ભવતીને આ સર્વ સંસ્કારનો સંપૂર્ણ સહવાસ થાય અને તેને અતિશ્રમ ન પડે એવી વ્યવસ્થા આપે જાતે કરવી, અને રાણાજી એ અર્થે યાત્રાઓ કરે ત્યાં, અવકાશે, આપે એમનું મન પ્રફુલ્લ રાખવા બને તેટલી વાર જવું.”

મલ્લરાજ – “મધુમક્ષિકા, માતાજીની આ આજ્ઞાઓ હું શુદ્ધ ભક્તિ અને આનંદથી પાળીશ, અને એ સર્વ કાળે બને તો તને રાણીસાથે રાખે આવી મ્હારી પ્રાર્થના માતાજીને વિદિત કરજે.”

મધુο – “માતાજીએ એ સંકલ્પ તો કરેલો જ છે.”

મલ્લરાજ - “માતાજીની બીજી કાંઈ આજ્ઞા છે ?”

મધુο -“માતાજીની વિજ્ઞાપના આટલાથી જ સંપૂર્ણ થાય છે. તે ઉપરાંત એમણે પોતે જે વ્યવસ્થા કરેલી છે તે આપની સંમતિ અર્થે આપને વિદિત કરવા મને કહેલું છે.”


  1. ૧.અભાવા