આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


વિહારપુરી એકદમ પથારીમાં બેઠો થયો અને બોલી ઉઠ્યો; “ અહો હો ! એ મંત્રનો અર્થ તો મને મળ્યો છે. મહાગંભીર અર્થ છે. એના રહસ્યમાં અત્યંત ચમત્કાર છે. રાધેદાસ ! ધન્ય ભાગ્ય ત્હારાં કે ગુરુએ મહાકૃપા કરી આ મંત્રનો તને અધિકારી ગણ્યો; આની સાથે બીજા મંત્ર પણ કહ્યા હશે.”

“બીજા ત્રણ મંત્ર કહ્યા.”

“કીયા ?”

રાધેદાસ પણ બેઠો થયો અને બોલ્યો.

“અવનિ અવનિ મધુપુરી, કૃષ્ણચંદ્ર અવતાર,
શેષભાર ઉતારીને કરત ધરતી ઉદ્ધાર.”

સરસ્વતીચંદ્ર કંઈક કૌતુકથી સાંભળવા લાગ્યો. રાધેદોસ બીજા શ્લોક બોલ્યો.

“પારસસ્પર્શથી લોહનો થાય સ્વરૂપવિનાશ;
દૈત્યરૂપ હરી, અમરતા દે જ સુદર્શન-પાશ.
પામરમાં પામર દીસે ગોપાલક ગોપાલ;
કૃષ્ણ ભક્તિવશ ભાસતો બાલક અર્થે બાલ.”

“બસ, વધારે શ્લોક મને હાલ આપવા ના કહી.”

વિહારપુરી: “યોગ્ય કર્યું, ગુરુનો આદેશ છે કે એમના મુખથી જેને મંત્ર-પ્રાપ્તિ થઈ હોય તેને સબ્રહ્મચારીએ અર્થપ્રાપ્તિ કરાવવામાં બાધ નથી; માટે સાંભળ, આ ચમત્કારિક મંત્રોનું રહસ્ય કહું છું તે અધિકારી વિના બીજાને આપવું નહી. શાસ્ત્રના ઉપદેશ બે જાતના હોય છે. કેટલાક સર્વથી સમજાય, અને કેટલાક સંપ્રદાયનું રહસ્ય જાણ્યા વિના ન સમજાય. તરવારથી રક્ષણ પણ થાય અને કુપાત્રને હાથે ખુન પણ થાય. માટે રહસ્યનો અનર્થ અટકાવવાના હેતુથી કહ્યું છે કે અધિકાર વિના રહસ્ય પ્રકટ કરવું નહી. બાળક આદિ પાસે તરવારના મ્યાનને બાંધી રાખવું. હવે જે અર્થ બ્હારથી દેખાડવાનો છે તેનું નામ વાચ્યઅર્થ અને રહસ્યનું નામ લક્ષ્યઅર્થ. કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં ગાયો ચારતા એ તો માત્ર વાચ્ય અર્થ છે.”

"ત્યારે શું વાચ્ય અર્થ ખરો નહી ?” રાધેદાસ બોલી ઉઠ્યો.

“ ના, ના, ખરો એ નહી અને ખોટો એ નહી.”

“એ તો તમે દુધમાં ને દહીમાં બેમાં પગ રાખો છો.”