આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રર૧

માર્ગ રાખજો. નીકર સઉ ડુબીશું ને જગતમાં ભસ્માસુર ઉભા થશે.”

મલ્લરાજ – “રાક્ષસોના સામાં વાનરો અને રીંછ ઉભાં કરીશું તો અમો સૂર્યવંશી ફાવીશું - શિવાજી પણ એમ જ ફાવ્યા હતા.”

જરાશંકર – “આ રીંછ ને વાનર ખોળશો ત્યારે આપના ક્ષત્રિયો શું કરશે?"

મલ્લરાજ – “મ્હારા દેવયોનિ ક્ષત્રિયો વાનરનો વેશ લેશે માટે વાનર નહીં થાય. તેમની વિદ્યાથી મ્હારા વંશજો સમુદ્ર પર સેતુ બાંધશે ને પરગૃહમાં પેસશે. બસ, જરાશંકર, એ વિચાર મ્હેં સિદ્ધ કર્યો.”

જરાશંકર – “પણ આપે પાણી પ્હેલાં મર્યાદાની પાળ બાંધવી ઘટે છે.”

મલ્લરાજ - “હા, પ્રજાનું હિત જાળવવાની બુદ્ધિ ર્‌હેશે એ પાળ ને એ મર્યાદા. પ્રજામાં યુગવિવર્ત થાય ને રાજાનામાં ન થાય તો એ કજોડાનો ક્લેશ ભારે થાય. માટે મ્હારા ઘરમાં ને રાજ્યમાં સઉ ઈંગ્રેજી ભણે ને ઈગ્રેજનાં મર્મદ્વાર પકડવાના હેતુથી આ વિદ્યા ભણવાનું અભિમાન રખાવીશું તો કોઈ ઈંગ્રેજ નહીં થાય. આ આપણી એક પાસની પાળ અને આપણા જુના આચારમાંનાં જે પદાર્થ વડે ઉત્તમ જય થાય એવા પદાર્થપર દૃષ્ટિ નંખાવી તેનો લોભ રખાવવો એ બીજી પાસની પાળ. એ બે પાળો શીવાય ત્રીજી મર્યાદા નહી. જરાશંકર, બસ ! હવે મ્હારો વિચાર પુરો થયો. મણિરાજને આ વિદ્યા આપવાના માર્ગ હવે બતાવ – એમાં ત્હારું કામ. ચારપાસની વિદ્યાઓ ભણ્યાવિના રત્નગરીના રાજાઓ અંધારે ડુબી મરે એ નહીં થાય.”

જરાશંકર – “મહારાજ ! આપણું બાળક પારકા માણસ પાસ રહે તો આપણા હાથમાંથી જાય અને પારકું થાય, પારકી મ્લેચ્છ ભાષાને ખોળે ગયેલું બાળક આપની અને આપના આચાર વિચારની મર્યાદા નહી પાળે.”

મલ્લરાજ – “ક્ષત્રિયોનાં બાળક શત્રુઓની ભૂમિનાં, શત્રુઓની ઢાલોના તેમ જ તેમની તરવારોનાં ભોમીયાં થાય તો શત્રુઓની ભાષા અને તેમના આચારવિચારનાં ભોમીયાં થાય તે પણ યોગ્ય જ છે. બઈરાં અને બ્રાહ્મણોને સોંપ્યાં ઘર અને ક્ષત્રિયોને સોંપ્યાં ઘરનાં બારણાં.”

જરાશંકર – “તે યોગ્ય છે. પણ શત્રુઓના આચારનું દાસપણું ક્ષત્રિયોને વિહિત નથી ?”

મલ્લરાજ – “ના, નથી, પણ સામાના ભેદ જાણતાં તેમના બંધનમાં