આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮

ઈંગ્રેજોને એ વાત ગળે ઉતારવી છે અને તેમને ગળે ઉતારી આ કામ સાધવું છે. વિદ્યાચતુર, આવી આવી વાતોમાં આ રાજ્યની નવી રાજનીતિનું બીજ રોપાય છે. તે બીજ રોપવાનું મ્હારે માથે આવેલું છે તેમાં તમારે મ્હારું અને મ્હારાં કુમારનું પ્રધાનપણું કરવું પડશે – જરાશંકરના ભાણેજના હાથમાં મ્હારા રાજ્યના ગુપ્ત મંત્ર મુકતાં હું અવિશ્વાસ નથી રાખતો."

"આ સર્વ કાર્યને અર્થે ચંદ્રની આસપાસ તારાઓ ચળકે તેમ કુમારની આસપાસ મ્હારા ભાયાતોનાં પુત્ર ઉભરાઈ રહે એવું કરો. આ દેશમાં પડવા માંડેલી આ રાત્રિને કાળે આ ચંદ્ર અને તારાઓનું એકસંપી જડ અરસપરસ પ્રકાશ આપે એવું કરવાનું છે. વિદ્યાચતુર આજસુધી અમારા ભાઈઓ યુદ્ધમાં અમો રાજાઓને કામ લાગતા અને અમે તેમનું પોષણ કરતા. યુદ્ધકાળે તેઓ તેમનાં મસ્તક અમારા કામમાં આપતા, અને શાંતિકાળે અમારાં રાજ્ય - વૈભવમાંથી અમે તેમને ગ્રાસ એટલે કોળીયા આપતા. હવે ઈંગ્રેજના રાજ્યમાં અમારે તેમનાં મસ્તકનો ખપ નથી અને ગ્રાસ આપવામાં તો શું પણ રાખવા પણ ભારે પડશે. મસ્તક ઓછાં થતાં ત્યારે આપેલા ગ્રાસ પાછા આવતા તે નવા જન્મતા ભાઈઓને અપાતાં ને રાજભૂમિ ભાઈઓને અપાતાં અપાતાં પણ અમારા રાજ્યભાગ એમના એમ ર્‌હેતા. હવે નવી પ્રજાને આપવાનું ખરું, અને પાછું લેવાનું કાંઈ નહી – કારણ મસ્તક ઓછાં થવાનાં નહીં અને ગ્રાસ વધવાના. આથી અમારા રાજ્યભાગ ક્ષીણ થઈ જશે, અને રાજ્યભાગ ક્ષીણ થતાં આ રાજ્યની સત્તા નબળી થશે એટલી ઈંગ્રેજની વધશે. આ ભયંકર પરિણામનું બળ ઓછું થવાનો માર્ગ મ્હેં બીજી રીતે લીધો છે. પણ માણસની બુદ્ધિને જ્ઞાની લોક નાચનારી ગણિકા જેવી ક્‌હે છે, તે બુદ્ધિને ખપ વગરના ભાઈઓ ઉપર રાજાઓ પ્રીતિ નહી રાખે અને બળે ગ્રાસના સ્વાર્થી અને યુદ્ધકળા ભુલવા સરજેલા ભાઈઓને રાજાની સેવાનો કે તેના સંબંધનો કાંઈ પણ પ્રસંગ નહીં ર્‌હે. મ્હારા રાજ્યની એક મ્હોટી સાંકળ આવી રીતે ત્રુટી છે; તે સાંકળનાં બે છેડા ઝાલી પોતાનાં પેટ ભરનાર મદારીઓ મળશે અને છેડે બંધાયલાઓને માંકડાં પેઠે મરજી પ્રમાણે નચાવશે. વિદ્યાચતુર, આ સાંકળના છેડા આમ પારકા હાથમાં જાય નહીં એ મ્હારું કર્તવ્ય છે માટે આ ત્રુટેલી સાંકળને ઠેકાણે મ્હારા કુમાર અને ભાઈઓ વચ્ચે પ્રીતિની