આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩

આપની સિદ્ધ થયલી આજ્ઞાને પાળવા શીવાય બીજો વિચાર કે ઉત્તર કરવાનો ભાયાતોને અધિકાર નથી. મહારાજનું દુઃખ જોઈ હું અંતર્માં દાઝું છું, પણ મ્હારી બુદ્ધિ આપને કામ લાગે એટલો અધિકાર તેને નથી.”

મલ્લરાજ – “સામંત, અભિપ્રાયમાં ફેર પડ્યો ત્યારે આજ્ઞા કરવાનું કામ મ્હારું હોવાથી, મ્હારા તે કાળના અભિપ્રાય પ્રમાણે, અને ત્હારા અભિપ્રાયથી વિરુદ્ધ, આજ્ઞા આપેલી. આજ એ આજ્ઞાનું અનિષ્ટ ફળ જોવાને પ્રસંગે ત્હારા અભિપ્રાયની થયેલી અવગણના અમારા સ્મરણમાં આણવી એ કામ મેલા માણસનું છે. એ અવગણવાનું સાટું વાળવાને, આજ અમને ઉપયોગી થવા અથવા અભિપ્રાય આપવા ના પાડવી, એ કામ મને શિક્ષા કરવા જેવું છે. એ અવગણનાથી તને ખોટું લાગ્યું હોય તો તને રાજપુરુષોના ધર્મનો સંપૂર્ણ બોધ નથી એમ ક્‌હેવું જોઈએ. એ અવગણના સો વર્ષ સુધી ભુલી ન જવી એ સ્ત્રીસ્વભાવનો અંશ છે. એ અવગણનાનું મને ઈશ્વરે ફળ આપ્યું સમજી ત્હારા મનમાં ત્હારો વિજય થયો લાગતો હોય તો ત્હારા હૃદયમાં રાજ્યશત્રુનો ગુણ છે. એ વિજયના ભાનથી મને મર્મવાક્ય ક્‌હેવા તું તત્પર થયો હોય તો ત્હારા મુખમાં સ્ત્રીની જીભ છે. સામંત, મ્હારી સેના તે તું છે અને મને એટલો તો અધિકાર છે કે મ્હારી સેના ઉપર જેટલો આધાર રાખું તેથી બમણો મ્હારા સામંત ઉપર રાખું.”

સામંત નીચું જોઈ રહ્યો અને તેના નેત્રમાંથી એક આંસુ પડતું દેખાયું. તે ઉઠી દ્વારની બ્હાર જઈ પાછો આવ્યો અને રાજાના સામું ઉચું જોઈ બેઠો.

“મહારાજ, હું કૃપણ ચિત્તના ભાઈ ઉપર આપ જે ઉદારતા દેખાડો છો તે મને તરવારના ઘા કરતાં વધારે લાગે છે. મહારાજ, હું અપરાધીને પૃથ્વીભેગો કરી દ્યો. હું શિક્ષાપાત્ર સેવક, તેના પ્રત્યે આપ ઉદાર વચન ક્‌હો છો એ મ્હારા હૃદયને પશ્ચાત્તાપના અગ્નિથી બાળે છે. મહારાજ, મને શિક્ષા કરો. આપના સત્ય વચનમાં – ધર્મવચનમાં – અધર્મીને કંપાવનાર શિક્ષા મુકો.”

"સામંત, મ્હારી સેનાનો નાશ કરવા કરતાં તેને સવળે માર્ગેઃ લેવી એ મ્હારું કામ છે. તું મ્હારો જમણો હાથ. મ્હારી મુછનો