આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કૃષ્ણચંદ્ર કારણબ્રહ્મમાંથી આવી પ્રકટ થયા, હવે પ્રકટ થવાનું પ્રયોજન શું? પૃથ્વી શેષને માથે રહેલી છે. શેષ શબ્દનું રહસ્ય કલ્પાય છે ?”

વિચારમાં પડી અંતે ઉંડાણમાંથી બોલતો હોય એમ રાધેદાસ બોલ્યો: “ના.”

વિહારપુરી ઉલ્લાસમાં આવી અર્થપ્રકાશ કરવા લાગ્યો, “ત્યારે જો. શરીરનાં મહાભૂતનું પંચીકરણ કરી, આત્મા સ્થળ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ નહીં, એમ કરતાં કરતાં જે બાકી રહ્યું તે શેષ ભાગ આત્મા એ ઉપદેશ તો ત્હેં સાંભળ્યો છેકની ?”

“હા.”

“હવે જેમ શેષ નાગના ઉપર પૃથ્વીનો ભાર છે તેમ આ नेति नेति વાક્યથી જોતાં બાકી રહેલા શેષ આત્માને ઉપાધિનો ભાર છે. વેદાંતવાદી એમ ક્‌હે છે કે આ ઉપાધિરૂપ ભાર ક્‌‌હાડી નાંખવો અથવા ભસ્મ કરવો; આપણે અલખવાદીઓ એમ કહીયે છીયે કે આખી ધરતી ઉપાધિરૂપ છે પણ જયારે ગોપાલ શ્રીકૃષ્ણ પરમાત્મા એની સંભાળ કરી પાળે છે તો આપણે પણ પાળવી. જે કાર્ય શ્રીકૃષ્ણને ગમ્યું તે ન ગમાડવાનો આપણને શો અધિકાર છે ? જો એવા અધિકાર મનુષ્યરૂપ ઉપાધિને હોય તો તો ધરતીમાત્રનો નાશ થાય.”

“ત્યારે શું કરવું ?”

“એમાં જ અલખવાદીનું મત જોવાનું છે તો ! જેમ માટી ઉચ્ચ પરિણામ પામી અન્નરૂપ થાય છે અને અન્ન પ્રાણરૂપ થાય છે તેમ સર્વ ધરનારી આ ધરતી પણ શ્રીકૃષ્ણને હાથે ઉદ્ધાર પામે છે એટલે ઉંચી ઉંચી થાય છે, ઉચ્ચ પરિણામ પામે છે. જે દુષ્ટતા આદિને ભારે નીચી નીચી જાય તો શેષનાગને માથે ભાર વધે, તેમ પુણ્ય આદિથી ઉંચી ઉંચી લેઈએ તો શેષના શિરનો ભાર હલકો થાય-”

"એટલે ?"

“એટલે એમ કે માટી અને અન્નના ઉદ્ધારનાં દૃષ્ટાંત આપ્યાં તેમ ત્રણ જાતનાં શરીરરૂપ ઉપાધિને પણ શ્રીકૃષ્ણ ઉદ્ધાર આપેછે એટલે એ ઉપાધિના ભાર નીચે ચગદાતો જે શેષ આત્મા તેનો ભાર પણ ઉતરે છે !!”

આંખો ઉપર હાથ મુકતો રાધેદાસ બોલ્યો: “ભૈયા, આ અર્થ કાંઈ એકદમ સમજાય એમ નથી. મ્હારો શેષ તો આ રહસ્યના ભાર નીચે ચગદાય છે !!"