આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬

અને જેમ મ્હારી તરવાર ચોરનારને હું શિક્ષા કરીશ તેમ મ્હારા પ્રધાનના અધિકાર અને પ્રતાપ ઉપર હાથ નાંખનારને હું તીવ્ર શિક્ષા કરીશ અને એ શિક્ષા કરતાં બીલકુલ ક્ષમા રાખનાર નથી. મ્હારા પ્રધાનને અધિકાર અને પ્રતાપ કેટલો આપવો અને તેનું રક્ષણ કેટલે સુધી અને કેવી રીતે કરવું તેમાં હું મ્હારો પોતાનો પ્રધાન જાતે જ છું. જરાશંકર, આજ્ઞાપત્ર લખાવ કે મ્હારી સેનાનું આધિપત્ય સામંતના પુત્ર મુળુભાને આપું છું, જ્યાં સુધી મુળુભા બાળક છે ત્યાં સુધી એને નામે એ આધિપત્યનું કામ મ્હારી આજ્ઞા પ્રમાણે દૂર રહી સામંતે કરવું, અને જ્યાં એને પગ મુકવાનો આધિકાર નથી ત્યાં એની ઈચ્છા હોય તે માણસ દ્વારા એણે કામ લેવું મલ્લરાજની કરેલી શિક્ષાથી એની આજ્ઞાના અર્થ અને આજ્ઞાનો પ્રતાપ સર્વ સમજી શકે એમ થશે. ચાલ, હવે સરકારના એજંટનું પ્રકરણ ચલાવ.”

જરાશંકર – “પણ મહારાજ, પરિણામનો વિચાર દર્શાવવાનો મ્હારો અધિકાર ખરો.”

મલ્લરાજ – “શું પરિણામ પરિણામ કરે છે? જોતો નથી કે જે રાજનીતિથી મ્હારા ભાયાતો નકામા થઈ ગયા એવી રાજનીતિના પવનને મ્હારા હૃદયમાં ભરનાર તને ગણીને ત્હારા ઉપર દાંત પીસી રહેલા ભાયાતોની તરવાર તે સામંત છે, અને એ તરવાર ત્હારા ઉપર પડતાં પળની વાર ન હતી ?”

જરાશંકર – “હું સારી પેઠે સમજું છું કે મ્હારા ઉપર એ તરવાર ઘણા દિવસની ઝઝુમી રહી છે અને મહારાજની કૃપાની ઢાલથી જ આપના રંક પ્રધાનનું રક્ષણ થયું છે; પણ આણી પાસથી ઈંગ્રેજ રાજનીતિનાં પગલાં આપણા સીમાડા ઉપર વાગે છે તે કાળે આપણા અંદર અંદરના ખડખડાટનો સ્વર એ શીકારીને કાન જશે તો આપણે એ શીકારીના શીકાર થઈશું. મહારાજ, મ્હેં આપને ઘણેક પ્રસંગે કહેલું છે કે શત્રુના ગઢના દરવાજા તોડવામાં જે ઉંટને મારવું પડે તે રાજ્યનો પ્રધાન છે. મહારાજ, આપના કુટુંબમાં જ મહાન વિગ્રહ નહી થાય તો મહાન્ ક્લેશ થવાનો પ્રસંગ આવ્યો છે અને એ ક્લેશનો પ્રસંગ લેઈ ઈંગ્રેજ કાંઈ પણ લાભ લઈ શકે તેના કરતાં એ સર્વ પરિણામ અટકાવવાનો સવળો અને સ્હેલો માર્ગ એ જ છે કે આપના પ્રધાનને ઉંટને સ્થાને મુકી - ત્યજી - આપના બન્ધુવર્ગનું સાંત્વન કરવું એમાં જ હાલ રાજ્યનું હિત છે. મહારાજ, એ વર્ગ રાજ્યદ્રોહી