આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭

કે રાજદ્રોહી નથી થયો – તેમને માત્ર મ્હારી જાત ઉપર રોષ છે, અને મ્હારા કરતાં આ વર્ગનો - આ સેનાનો - આપને બહુ ઉપયોગ છે તે હું સત્ય કહું છું. મહારાજ, પ્રધાનો ઘણા મળશે પણ આવી બન્ધુસેના નહીં મળે અને તેમના બોલવા ઉપરથી રોષ ધરવો આપને યોગ્ય નથી. કહ્યું છે કે,

“કડવા હોયે લીંબડા, શીળી હોય છાંય “બોલકણા હોય બાન્ધવા, ત્હોય પોતાની બ્હાંય,”

મલ્લરાજ – “તું ક્‌હેછે તે ઘણે અંશે સત્ય છે અને તેટલા માટે જ સામંતને માટે યોજેલી શિક્ષામાં માત્ર મ્હારી પ્રીતિ શિવાય બીજી રીતની હાનિ તેને પ્હોંચાડી નથી અને તે પશ્ચાત્તાપ કરી મ્હારી ક્ષમાની આશા રાખે એવો માર્ગ રાખ્યો છે. સામંતના હૃદયમાં ક્રોધ છે પણ દ્વેષ નથી, અને તે અવશ્ય પસ્તાશે, અને એક દિવસ આ જ સ્થાને ત્હારી સાથે પ્રીતિથી રાજ્યકાર્યમાં આશ્રય આપશે. મ્હેં એને કરેલી શિક્ષા જેવી આવશ્યક છે તેવી જ માપસર છે અને તેનું ફળ ઉત્તમ આવશે. રજપુતનો સ્વભાવ રજપુત જાણે પણ એને માટે ત્હારું બલિદાન આપું તે તો અયોગ્ય અને હાનિકારક જ. ત્હારું જ ક્‌હેવું છે – અને તે સત્ય છે – કે હવે અમારી તરવારો મ્યાનમાં બંધાઈ અને સેનાઓ નકામી થઈ છે. હવે તો એવા સહસ્ત્ર બન્ધુઓ કરતાં એક ચતુર અને રાજનીતિનો પ્રવીણ પ્રધાન એ જ રાજાઓની તરવાર અને ઢાલ ઉભયનું કામ સારશે.”

જરાશંકર – “મહારાજે ક્ષમાનો માર્ગ ઉઘાડો રાખ્યો છે તો હાલ તરત જ આપની આજ્ઞાને નિષ્ફળ થવાનો સાધનભૂત હું નથી થતો. પણ મને એક નવાઈ એ લાગે છે, આપની તરવાર બંધાયાથી, હવે લેવાનો જે માર્ગ તે, આપને આવો સુઝ્યો ને તે જ બન્ધનનાં વિચારથી આપને ઉદ્વેગ થયો ! અને બીચારા સામંતને આપને શાંત કરવા તેડેલો તે પરિણામને પામ્યો !”

મલ્લરાજ હસી પડ્યો, “હા, એ પ્રારબ્ધનો સંયોગ વિચિત્ર થયો ખરો. પણ મહાન્ પ્રસંગોએ પ્રથમ મને આવેશ થાય છે, અને તેની શાંતિ અને તે પ્રસંગના ગુંચવારાનો ઉકેલ- એ બે વસ્તુ મને સાથે લાગાં જ થાય છે. એવા મ્હારા સ્વભાવનો તને પ્રથમ પણ અનુભવ થયો હશે.”