આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧

મલ્લરાજ – “શી રીતનો ?”

જરાશંકર – “એ તાપ મુંબાઈનગરી જેટલે છેટે લાગવા દેવો કે લીલાપુરમાં પણ લાગવા દેવો ?”

મલ્લરાજ – “મુંબાઈમાં તો છે જ.”

જરાશંકર – “હા, પણ એટલે છેટે પડેલા ચુલામાં રંધાતા ચોખા કાચા રહે છે કે બફાય છે કે બળી જાય છે એ જોવા જેટલી લાંબી દૃષ્ટિ પડે એમ નથી અને લીલાપુરમાં તો બધું જોવાશે.”

મલ્લરાજ સાંભળવા આતુર બની ટટ્ટાર થઈ બેઠો. “પણ લીલાપુર જેટલો પાસે તાપ લાગશે તો તેના તનખા ઉડશે, રાખ ઉડશે, ધુમાડો ઠેઠ આપણી આંખોમાં આવશે, ને વળી તાપ ઠેઠ સરસો વેઠવો પડશે તે ? એટલું નુકસાન વધારે કે પાસે રહી ચોખા ચાંપી જેવાનું ફળ વધારે ?

જરાશંકર – “મહારાજ રાજનીતિના જાણનાર છે. સુભાજીરાવને ક્‌હાડી મુકતાં પ્હેલાં જ ઈંગ્રેજની સાથે બુદ્ધિબળ રમવાની કળાને શોધવા આપે જ ધારેલું છે; અને બુદ્ધિબળને અંગે આપણી અને સામાની ઉભયની બાજી જાણી લેવી એ સાધન સાધવાને અર્થે સર્વ સંતાપ અને ક્લેશ વેઠવા એ પણ એક સાધન છે.”

મલ્લરાજના મનનો એક મ્હોટો વળ ઉકલ્યો તોપણ કંઈક બાકી રહ્યું. “જરાશંકર, એ તો ખરું, પણ સામાને જાણતાં આપણે પણ જણાઈ જઈશું તે ?”

જરાશંકર – “મહારાજ, એ ભીતિ તો વૃથા છે. નાગરાજ મ્હારાજે કરેલા યુદ્ધને અંતે જ આપણે જણાઈ ગયા છીયે. હવે ઈંગ્રેજ આપણને વધારે ઓળખવા પ્રયત્ન કરશે તે આપણાથી અટકાવાય એમ નથી. આપણે શરીરે પ્હેરેલાં વસ્ત્રમાત્ર ઉઘાડી ઉઘાડીને જોશે, અને એમ કરવા બળ કરતાં કળ વધારે વાપરશે.”

મલ્લરાજ – “ત્યારે - આવ કુહાડા પગ ઉપર – એવું આપણે જાતે જ કરવાનું કારણ છે ? ચાહીને પાસે બોલાવવાનું કારણ શું ?”

જરાશંકર – “જે રાજ્યો અને રાજાઓનાં અંગ અનેક અંતર્વ્યાધિથી નિર્માલ્ય થઈ ગયાં છે ત્યાં તો ઈંગ્રેજ પાસે આવ્યાથી કેવળ ભય જ છે. આપણી ચારેપાસ જ્યાં જોઈએ ત્યાં છિદ્ર વિનાનાં રાજય નથી અને એ છિદ્રોમાં નખ ઘાલી ઘાલી અંદરનું લોહી ઈંગ્રેજો રીંછ પેઠે પીશે અને એ લોહીને ઠેકાણે એ રીંછની ઝેરી લાળ લીંપાશે તો