આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨

તેમાં કંઈ અસંભવ કે અયોગ્યતા મને તો નથી લાગતી. મહારાજ, જે રાજાના રાજયમાં પ્રજાનું રક્ષણ ન થતાં ભક્ષણ થાય છે, જે રાજા પ્રજાના કલ્યાણના વિચાર અને આચારમાં દિવસની સાઠ ઘડી ગાળતા નથી અથવા સાઠને ઠેકાણે અઠ્ઠાવન ઘડી એમ ગાળી બે ઘડી જેટલો કાળ પણ પ્રજાને ત્યજી બીજા વિષયને સમર્પે છે તે રાજાના રાજ્યમાં અવકાશ પામતી દુર્વાસનાને માથે ઈશ્વર કોઈ શત્રુ ઉભો કરે તો તેમાં અયોગ્ય શું આવી ગયું ? મહારાજ, પ્રજાને શિક્ષા કરે રાજા અને રાજાને શિક્ષા કરે ઈશ્વર.”

જરાશંકર જરીક અટક્યો અને પાછો બોલ્યો : “મહારાજ, જે રાજ્યમાં છિદ્રો હશે તેમાં ઈંગ્રેજનો સહવાસ ભયંકર નીવડશે કે નહી એ ક્‌હેવાતું નથી, અને નીવડશે તો મને કંઈ અયોગ્ય લાગતું નથી. પણ ત્યાં તે અયોગ્ય હશે તોપણ રત્નનગરીના ધર્મિષ્ઠ મહારાજને તો આમાંથી કંઈ ભય મને દેખાતું નથી. મહારાજ, આપનો અને આપના રાજ્યનો જેને જેને જેમ જેમ પ્રસંગ પડશે તેમ તેમ આપની સુવાસના અને આપની સુંદરતા અધિકાધિક દીસી આવશે. મહારાજ, આપને કોઈ સુખડની પેઠે વધારે વધારે ઘસશે તેમ આપ વધારે વધારે સુગન્ધ આપશો અને વધારે વધારે તપાવશે તેમ તેમ કાંચન પેઠે વધારે સુંદર દેખાશો – કહ્યું છે કે,

[૧]'*“धृष्टं धृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्
"तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम् ॥
"छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्
"न प्राणान्ते प्रकृतिविकृतिजार्यते ह्युत्तमानाम् ॥

મહારાજ, રત્નગરીમાં પુરુષરત્ન જેને જોવાં હોય તેટલાં જોઈ લે, એ કોઈના દૃષ્ટિપાતથી ડરે એમ નથી. એ રત્નને કોઈ માત્ર જોવા ઈચ્છે તેટલાથી જ તેને કંઈ ભય નથી. ઈંગ્રેજ રાજપુરુષોને આપણા પુરુષરત્નોના ભંડાર જોવા હોય એટલા જુવે – એમાં કાંઈ હાનિ નથી. બાકી એ પરદેશીઓ આપણા રાજ્યની બ્હાર પાડોશમાં લીલાપુર આવી ર્‌હેશે તો મને તો તેમના તન્ત્ર જાણવાને, તેમની કળાઓ જોવાનો, અને એવો એવો આપણને એક કાળે ઈચ્છેલો, લાભ જ આપણને શોધતો આવતો દેખાય છે. મહારાજ, આ નિર્વાહકાળમાં મને તો આ જ વિચાર ઉત્તમ લાગે છે.”


  1. *પ્રાચીન શ્લેાક.