આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬

પામે અને તેને જીતવા પોતાને ફરી પ્રયાસ કરવાનો પ્રસંગ આવે તે પ્હેલાં, સમયગ્રાહિણી રતિશૂરી બળવાન ધસારો કરવા લાગી.

“મહારાજ ! શૂરી મેના કરે રસઘાવ !
“મહારાજ ! જો જો ! રંગીલી કરુંછું પ્રહાર !
“ચતુર વીર ! સજ્જ થજે સાવધાન !
“કારમો છે કામિની કેરો ચ્હડાવ !
“મહારાજા, શૂરી મેનાનો જોજો જી હાથ !
“રંગીલા, ઝીલજે રસરંગની ધાર !”

“ધાર” શબ્દનો ઉચ્ચાર નીકળતા પ્હેલાં રાણીનું શરીર રાજાના શરીરપર પ્રહાર કરી પડ્યું, રાજા એકદમ સુકુમાર શરીરને નિર્માલ્યવત્ વિષવત્ ગણી તરછોડી ઉભો થયો, રાણીને પડતી મુકી રંગભવનના દ્વાર બહાર જતો રહ્યો, અને જતાં જતાં રાણીના સામું ક્રોધકટાક્ષ ફેંકી છેલ્લા બોલ બોલતો ગયો - “સામંતને શિક્ષા કરનાર રાજા સામંતનો પક્ષ કરનારીને પણ શિક્ષા કરી શકશે. રાણી ! અધિકાર વિનાનું કામ કરવાની યોજના કરી મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો – રાજદંડને યોગ્ય માનવી પાસે રાજા સંબંધ ભુલી જાયછે. રાણી ! સામંતનો ત્યાગ કર્યો તો ત્હારો કરવો એ વિધાતાને વિશેષ લેખ !”

રાજા દ્વાર બ્હાર અદ્રશ્ય થયો – અંધકારમાં લીન થયો. રાણી ઉભી થઈ પાછળ ચાલી. રાજા પોતાની કે કોઈની સાથે વાત કરતો સંભળાયો. રાણી અંધકારમાં ઉભી ઉભી ગાવા લાગી–

“રસીયા ! રોષ તજોજી !*[૧]
“તુમ મધુકર, અમ કેતકી, ભલ્યો બન્યો સંજોગ !
“કંટક–દોષ બીચારીયે તો તો કૈસે બને રસભોગ ?
“ઓ રસીયા ! રોષ તજેજી !”

ઉત્તર ન મળ્યો. રાણી દીવો લેઈ આવી ચોકમાં રાજાને શોધતી ચાલી અને રાજાને પકડી પાડતી બોલીઃ

“મ્હારું રમકડું રીસાયું રે ઓ વ્હાલા !” †[૨]

પકડાયલે રાજા બોલ્યોઃ “રાણી ! વિચાર કરતાં ત્હારું ક્‌હેવું એવું સમજાય છે કે સામંત મણિધરની પેઠે, મણિ અને વિષ ઉભય ધરનારો છે માટે ક્ષમા રાખવી. રાજનીતિમાં સ્ત્રીવર્ગને હું અધિકાર આપતો નથી – માટે તને શી શિક્ષા કરું ?”


  1. * દયારામ
  2. † પ્રેમાનંદ.