આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રપ૧

આ વર્તમાન કાળમાં એ કલંક વગરનાં શુદ્ધ રત્નોનો આપણી પાસે સંગ્રહ છે અને ત્હારો રાજા એ લોભકલંકવાળા ચળકતા પથરાને નિર્મળ રત્નોને સટે સંગ્રહતો નથી. ધરતી અને ધન જેવા જડ પદાર્થો કરતાં રત્નનગરીના જનરાજયનું બળ મ્હારા વંશને પરાપૂર્વથી પ્રિય રહેલું છે. માટે જરાશંકર, જુવાન ખાચરને લાગેલો ચેપી રોગ આ દેશમાં આવી ન જાય તેને માટે ધરતી અને ધનનો તું ચાહે એટલો ભોગ આપી આ દેશમાં વૈશ્યયુદ્ધની હોળી જાગે નહી અને આ આજકાલનાં માંકડાંને મ્હારા પંચ-સરપંચનું કામ સોંપવાનો પ્રસંગ કોઈ દિવસ આવે નહી એવા મહાયજ્ઞનો આરંભ માંડ.”

“તરવાર ચુકવે તે ન્યાય એ કાળ વહી ગયો ! સ્વપ્ન જેવો થઈ ગયો ! હવે રાજાઓનો ન્યાય તરવાર નહી ચુકવે પણ માણસ ચુકવશે ! જરાશંકર, જયાં સુધી આ દેહમાં જીવ છે ત્યાં સુધી આ રજપુત એ કાળને આ દેશમાં નહીં આવવા દે – તું જ ક્‌હેતો હતો કે राजा कालस्य कारणम - હું જીવીશ ત્યાં સુધી રાજા મટી મ્હારા રાજ-છત્રને ધક્‌કેલી પાડી તેને સટે ઈંગ્રેજનું છત્ર રોપવું પડે - એ છત્રની છાયા શોધવી પડે એમ નહી કરું. એ છાયા શોધવાથી રાજત્વ જાય છે ? કે મ્હારી પાડોશના રાજાઓની સાથે મ્હારો મમત છોડી તેમનું ધાર્યું થવા દેવામાં અને તેમના હાથમાં થોડીક ધરતી – માટી, પથરા અને ઝાડપાલા – જવા દેવાથી રાજત્વ જાય છે ? જરાશંકર, એવી છાયા શોધવાથી જ રાજાઓનું રાજત્વ જાયછે અને જશે ! બીજા રાજાઓને તેમ કરવું ગમે તો ગમે, પણ યુદ્ધકાળમાં પાછા હઠવા કરતાં વડીલ હસ્તિદંતે મરણને પ્રિય ગણ્યું, અને એના જેવા શૂર મહાત્મા પુત્રરત્નના શબની છાતી ઉપર પગ મુકતાં નાગરાજ જેવા પુત્રવત્સલ પિતાએ આંચકો ખાધો નહી – તેમ - તેમ – એ મહાત્માઓની છાયામાં ઉછરેલો બાળક વૈશ્યયુદ્ધને અર્થે તેમના શત્રુઓની છાયા સ્વીકારવાનો નથી. જે ધરતી મુકીને મ્હારા બે વડીલો મ્હારી દૃષ્ટિ આગળથી ગયા તે ધરતીને ત્યજવી એમાં શી વસાત છે ? ઈંગ્રેજોની મ્હેં મિત્રતા સ્વીકારી છે – તેમની પાસે ન્યાય માગવો સ્વીકારેલો નથી. તેમની પાસે ન્યાય માગવાને હાથ જોડવા તેના કરતાં નાગરાજે કરેલા યુદ્ધમાં મ્હારી સાથે ઉભા રહેલા રાજાઓનાં આજકાલનાં સંતાનના હાથ ઉંચે રાખી તેમને જે જોઈએ તે આપી દેવું એવો મમત મને અતિપ્રિય છે. માટે જ અને આ મ્હારો મમત રાખ.”