આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩

હતી. મણિરાજ આજ બાળક છે પણ તમારું વય યોગ્ય છે માટે આવા મ્હોટા પ્રસંગોનો અનુભવ આપવા અને રાજાઓમાં પ્રસંગ પાડવા તમને જરાશંકર સાથે મોકલું છું તેનો પૂર્ણ લાભ લેજો, અને વીરપુર જતાં માર્ગમાં તમારા પિતાને પણ સાથે લઈ લેજો ને તેમની ઓથમાં ર્‌હેજો.”

મુળુએ નીચાં નમી મહારાજના ચરણ સ્પર્શ્યા અને મલ્લરાજે તેને માથે હાથ મુકી આશીર્વાદ આપ્યો.

મુળુભા બોલ્યો: “મહારાજ, મ્હારા રંક પિતા ઉપર આપ ક્ષમા રાખો છો તેનો બદલો હું છોરુથી વાળી શકાય એમ નથી; પણ આપની આજ્ઞા સાથે જે કૃપા રહેલી છે તે બે હું મ્હારા શિર ઉપર ધારુંછું અને આપના વિયોગથી દુ:ખી મ્હારા પિતાને આ સમાચાર કહી આપનાં દર્શન જેવો સંતોષ તેમને વાળીશ.”

મલ્લરાજ આ ઉત્તરથી તૃપ્ત થયો અને પ્રસંગ જવા દેવો અયોગ્ય ગણી બોલ્યો.

“જરાશંકર, મુળુભાને લઈ તું સામંતને મળજે અને હવે તું મને પાછો મળે તે પ્રસંગે સામંતને મુળુભાની સાથે લાવજે.”

અતિ હર્ષમાં આવી જરાશંકર બોલ્યો: “અવશ્ય, મહારાજ, એ આનંદ પ્રસંગ ક્યાંથી ? મહાકાર્યના આરંભમાં આપ મુળુભાનું માગણું સ્વીકારો છો અને સામંતરાજ ઉપર કૃપા કરો છો તે મંગળ, શકુન થાય છે અને આપની આજ્ઞા સિદ્ધ થઈ સમજજો. સામંતરાજ અને મુળુભા જેવાં રત્નોના ધણીને શાની ખોટ પડવાની છે ?”

જરાશંકર અને મુળુ ગયા. મુળુના વંશમાં પિતાનું નામ પુત્રના નામ પ્હેલાં લખવાનો વહીવટ હતો તેથી મુળુભા સામંતમુળુ અથવા સામતમુળુના નામથી ઓળખાતો. સામંતમુળુના અંતઃકરણમાં નવા યુગનો વા વાયો હતો. પૃથ્વી અને સત્તાનો અત્યંત લોભ, પિતાને થયેલાં અપમાનથી ઉદય પામેલો ક્રોધ, તે અપમાનના નિમિત્તભૂત પ્રધાન ઉપર અને તેના કુટુંબ ઉપર દ્વેષ અને વૈર, અને રાજ્યમાં કાંઈ પણ ઉથલ પાથલ કરી જાતે આગળ આવવાની તૃષ્ણા; ઈત્યાદિ ભૂત મુળુનાં ઉગતા હૃદયમાં રાતદિવસ નૃત્ય કરી ર્‌હેતાં. તેમની સાધનભૂત ક્રૂરતા મોસાળપક્ષથી તેનામાં ઉતરી હતી; પિતૃપક્ષથી માત્ર બુદ્ધિ, કલ્પના, અને શૌર્ય તેનામાં ઉતર્યા હતાં; અને એ સર્વથી ઉઠેલા અભિલાષ મહાપ્રયત્નથી તે હૃદયમાં ગુપ્ત રાખતો હતો. એ પાછો ફર્યો તે સમયે એના