આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

અત્યારે સુન્દરગિરિના આ અતિથિના નેત્ર આગળ – મન આગળ - ખડો થયો. સમુદ્રનાં અનેક ઉચાં નીચાં મોજાં અચીન્ત્યાં ખસતાં બંધ થઈ, જડ થઈ બંધાઈ ગયાં હોય એવાં અને એથી તો અનેક ગણાં મ્હોટાં પણ મોજાં જેવાં જ કાળાં અને આકાર વગરનાં પર્વતનાં શિખરો ચારે પાસ ડોકીયાં કરતાં લાગ્યાં. આ વળી નવો વિચિત્ર પુરુષ કોણ આવ્યો છે તે જોવાને આતુર આ સઉ ઉંચા શિખર, મ્હોટા ખડકો, અને ખડકોની હારો ને હારો, પોતાને જોઈ ર્‌હેતાં હોય અને તેથી ગભરાતો હોય તેમ સરસ્વતીચંદ્ર સઉના સામું જોવા લાવ્યો, અને એ જોવામાં પાસે કોણ છે અને શું છે તેનું તો ભાન જ ભુલી ગયો અને પાસે ઉભેલા કાળા પ્રચંડ બાવાઓ પણ આ પર્વતના ખડકો જ હોય તેમ સર્વ ઉપર સમાન દૃષ્ટિ રાખી આંખો ચોપાસ ફેરવવા લાગ્યો. એવામાં પાસેના મઠમાંથી ગાન સંભળાયું અને કાને આંખોને બીજી પાસ દોરી.

એ બેઠો હતો ત્યાંથી પંદરેક હાથ છેટે મઠ હતો ત્યાંથી સ્વર આવવા લાગ્યો.

“આા....આ..આ... ..."

“જો રાધેદાસ, ગુરુજીએ પ્રાતઃપૂજા એકાંતમાં આરંભી – સાંભળ્યો એમનો સ્વર ?” વિહારપુરી બોલ્યો, અને સર્વ સાંભળવા લાગ્યા. વિષ્ણુદાસ બાવા ગાયનમાં પણ પ્રવીણ હતા અને પોતાના મઠમાં યદુનંદનની પ્રતિમા હતી તેની પાસે ઉત્કૃષ્ટ નિર્ભર નિરંકુશ ચિત્તનું પ્રભાત પદ ગાતા હતા તે આઘે સુધી સંભળાતું હતું અને સર્વ શિષ્યો જયાં જે કામ કરતા ઉભા હતા ત્યાં તે કામ પડતું મુકી ઉભા રહી સ્તબ્ધ ચિત્તથી ગુરુજીનું ગાન કાનમાં ને હૃદયમાં ઉતારવા લાગ્યા. વિષ્ણુદાસજી ગાતા હતા અને ગાન તંબુરામાં ઉતારતા હતા.

“ આઆ....આ.….આ.…. …..” .
[૧]“યદુનં-દનને...ભવખં-ડનને... !
“નમું પ્રા-તસમે...જગમં–ડનને !
“યદુનં-દનને...યદુનં-દનને...
“નમું પ્રા–તસમે...યદુનં-દનને !...નમું૦
“ એ......એ......"

સ્વર ઉતારી દીધો. વળી ચ્હડાવી, મૂર્છના વધારી.

“ હરિ હા.....હરિ હા–પ્રા.....ત થયો..... -
"હરિ હા.....”

  1. ૧. રાગ બીભાસ.