આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પ૬

નથી, પણ આપણાં જ આ વૈશ્યયુદ્ધ આપણી અને તેમની અધોગતિ આણી મુકે છે ! દુષ્ટ સ્વામીને સારી સ્ત્રીઓ સુધારે છે તો ગમે તેવા સાહેબોને સુધારવા જેટલી કળા શું રાજા પ્રધાનોમાં નહી આવે ? જરાશંકર, આ હોળી મહાબળથી લાગી છે અને એની આંચ આપણને ક્યારે લાગી બેસશે તે ક્‌હેવાતું નથી. જરાશંકર, બળે એવાં લાકડાંને અડકવા લાગેલો અગ્નિ નિરંકુશપણે સર્વને બાળે અને તેમાં એકાદ લીલું ઝાડ પણ બળી જાય તે એ ઝાડના દેશકાળનું બળ ! જરાશંકર, એ કાળ આપણને અડકવા ન પામે એવો એક જ માર્ગ છે તે એ કે આ વ્યાધિને પેસવાનાં છિદ્ર આપણામાં ન પડવા દેવાં અને તે છિદ્ર પડવા કાળ આવે તેના કરતાં ધરતી, દ્રવ્ય, માન અને અંતે આ રાજમુકુટ જાય તો તેને પણ જવા દેવાં ! રાજપુત્રોમાં રાજત્વ હશે તો ગયેલાં રાજ્ય મળશે; પણ રાજત્વ ત્યજી રાજ્ય રાખવા જનારનાં રાજય પણ જશે અને રાજત્વ પણ જશે અને ગયેલું કંઈ પણ પાછું નહી આવે.”

જરાશંકર – “એ જ નિશ્ચય સત્ય છે. રાજા દેશકાળનું કારણ છે એ બુદ્ધિવ્યવસાયમાં આપનો પુરુષાર્થ છે, અને આપના પુરુષરત્નને તે જ અર્થે પ્રેરો.”

મલ્લરાજ – “રાજાઓને રાજાઓ સાથે કલહ કરાવવો એમાં ઈંગ્રેજનો સ્વાર્થ છે અને એ અર્થે એમનો ખેલ એ ચલાવશે તો એ ખેલ નિષ્ફળ કરવામાં એકલો પડીને પણ મલ્લરાજ બુદ્ધિબળ (શેતરંજ)નાં ખેલ રમશે.” આ વિચારની સાથે મલ્લરાજનું મુખારવિંદ શુદ્ધ આનંદથી ઉભરાવા લાગ્યું. સદ્‌ગુણ અને રાજ્યનીતિ જાતે જ આનંદરૂપ છે.

રાજાઓને માથે ન્યાયાસન બંધાયાં, પણ પ્રજાઓને ન્યાય આપવાને શાસ્ત્રીય ધારાઓ હોય છે તેવા ધારા રાજાઓને માટે બાંધવાનો અધિકાર સરકાર માથે લે તો રાજાઓ પોતાના અધિકારને ગયો સમજે એમ હતું. આથી રાજાઓએ ધારા માગ્યા નહી અને સરકારે કે કોઈયે બાંધ્યા નહીં. આટલા વિષયમાં “પંચ બોલે તે પરમેશ્વર” એટલો જ ધારો રહ્યો, અને રાજાઓના ન્યાયાધીશનું પંચ–સ્વરૂપ એ વિષયમાં કાયમ રહ્યું. રાજાઓના અધિકારનું રક્ષણ કરવાનું આ સાધન તેમને અનેકધા ઉપદ્રવકર થઈ પડ્યું. કીયા ધારાથી ન્યાય કરવો એ પંચની મનોવૃત્તિની વાત રહી, કીયા કારણથી ન્યાય કર્યો એનું સ્પષ્ટ કારણ દર્શાવવા પંચને માથે બંધન નહી. अन्धकारनर्त्तित જેવાં