આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પ૮

રાજાઓને તો આ ત્રણ કારણ દૂર કરવા જ માર્ગ શોધવાનું છે. તેટલી કળા – તેટલો સંપ – તેમનામાં તરત આવે એમ નથી – કાળે કરીને આવે. જે વિદ્યા મહારાજ મણિરાજને અપાવો છો તેવી વિદ્યા રાજાઓમાં ઘેરઘેર જશે ત્યારે એ કાળ આવશે. માટે નિરાશ થવાનું કારણ નથી. બાકી મહારાજે સ્વીકારેલો માર્ગ તો આર્ય અને ઉદાત્ત રાજવંશીઓના હાથમાં રામબાણ થઈ પડે એવો છે એની ના કોનાથી ક્‌હેવાય એમ છે ? પણ મહારાજ, રામબાણ છોડનાર રામ તો આખા સત્યયુગમાં એક જ થઈ ગયા.”મલ્લરાજે આ યુવાનનું ભાષણ શાંત ચિત્તે સાંભળ્યું.

આ અવલોકનમાં બે ત્રણ વર્ષ ગયાં નહીં એટલામાં નવું પ્રકરણ જાગ્યું અને ઈંગ્રેજ સરકારે મોકલેલા પંચનું નવું સ્વરૂપ પ્રકટાયું. રાજાઓ રાજાઓ વચ્ચે તકરાર થતાં એ સરકારના પંચે નિર્ણય કરવો એ વાત કંઈક સમજાય એવી હતી, પણ રાજાઓ અને તેમની પ્રજાની વચ્ચેની તકરારોનો નિર્ણય કરવાનો અધિકાર આ પંચને આપવાનો વિચાર સરકાર અને રાજાઓના સંધિકાળે સ્વપ્ન કિંવા ગર્ભિત પણ ન હતો, અને એવા અધિકારનું કોઈ રાજાને સ્વપ્ન પણ થયું ન હતું. મૂળ દેશી રાજાઓ ઘણાં વર્ષથી પરસ્પરવિગ્રહમાં પડેલા હતા ત્યારે પણ તેમની પ્રજા કાંઈ સુખી હોવાનું કારણ ન હતું. તે કાળના રાજાઓ, બ્હારના કોઈને તરવારના બળવિના નમ્યું આપતા નહીં એટલા સ્વતંત્ર હતા ત્યારે એ તરવાર ઉઘાડી રાખવાના નિરંતર પ્રયાસમાં પ્રજાના સુખનો વિચાર કરવા તેમને અવકાશ ર્‌હેતો નહીં; અને યુદ્ધકાળના રાજ્ય-સ્તંભ ક્ષત્રિયો મદોન્મત્ત થઈ પ્રજાને પીડતા તેના ઉપર અંકુશ રાખી તેમના કોપનું પાત્ર થવા જેટલી હીંમત રાજાઓમાં ન હતી. આ અત્યંત દુઃખને કાળે “હાથી હાથી લ્હેડે તેમાં ઝાડનો ક્ષય” એ ન્યાયે પ્રજા ત્રાસમાં ર્‌હેતી. પણ દુઃખનો અતિશય ભાર વેઠવો પડતાં રંક પ્રાણીઓ પણ સામાં થાય છે, કાયરને પણ શૌર્ય આવે છે, અને મૂર્ખને પણ બુદ્ધિ આવે છે, તે ન્યાયે प्रजापीडनसंतापથી ધુમાઈ રહેલો હુતાશન ભસ્મમાંથી પ્રગટ થતો અને રંક પણ બુદ્ધિશાલી વાણીયાઓનાં મહાજન રાજાઓને સતાવી શકતાં અને હડતાલો પાડી તથા બીજા અનેક સાધનોથી વ્યાપારના આકાશમાં ઉડવાની પાંખો વગરના રજપુતોને ઉંચા નીચા કરતાં અને રાજાઓના રાજમહેલના પાયાને કંપાવતાં, તે જ રીતે ધર્મની સાજી નહી તો