આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રપ૯

કોહેલી કમળનાળ દ્વારા સ્ત્રીવર્ગરૂપ સરોવરનું પાણી કીનારે ઉભા ઉભા પીવાની અને તે જ નાળમાં કુંકો મારી મારી એ સરોવરના પાણીમાં વેગ અને પરપોટા પ્રવર્તાવવાની કળાવાળા બ્રાહ્મણો, રજપુતો અને રાજાઓનાં અંતઃપુરમાં ચક્રવાયુ (વંટોળીયા) ઉભા કરી, સ્ત્રી અને પુરુષોની આંખો આંધળી કરી મુકતા. ઉચ્ચથી તે નીચમાં સર્વે નાતો તથા જાતોમાં – દેશાચારે પાડેલી નાતોમાં અને ધંધા અર્થે પડેલી જાતોમાં – તેમ ન્હાની શેરીઓ અને મ્હોટા મ્હોલાઓમાં બ્રાહ્મણોની બ્રહ્મપુરીઓ, વાણીયાઓની ધર્મશાળાઓ, પટેલોના ચોતરાં, વૃદ્ધોનાં ઓટલા, સ્ત્રીઓના કુવાતળાવો, કાછીયાઓનાં ચઉટાં, સીપાઈઓના ચકલાં, અને હલકી વર્ણોનાં પરાંઓ : એ સર્વે સ્થલોમાં પ્રજાપોકારનો કોલાહલ ઉઠી ર્‌હેતો, અને રજપુતોના અને રાજાઓના કાન બ્હેરા કરી દેઈ, નિદ્રાદેવીનો પાલવ પકડી રાખી, રાજવંશીઓના મ્હેલોમાં તે દેવીને સંચરવા ન દેતો. આ સામ દામ અને ભેદનાં સાધનને પણ રાજા વશ થાય નહી ત્યારે પ્રજાઓ બંડ અને હુલડના વાવટા ઉરાડતી અને પ્રજાપીડક રાજાઓનાં સિંહાસનો ઉભાં ઉભાં ડોલતાં. તે ડોલાવનાર ધરતીકંપથી જગતમાં ત્રાસ વર્ષતો ત્યારે મહાદેવ ચંડી આગળ નૃત્ય કરે તેમ મહારાજો અને તેમના વિકરાળ ગણો અને ભૂતપ્રેતો, ઉગ્ર પ્રજાદેવી આગળ કિંકર જેવા બની, એ ચંડીની કોપજ્વાળા શમે એવી ગતિથી અને એવા સ્વરથી, નૃત્ય અને ગાન કરતા. ઈંગ્રેજના સામ્રાજયને ઉદયકાળે જ રાજાઓને ઈંગ્રેજે એવું અભયવચન આપ્યું કે તેથી દેશી રાજ્યોમાં પ્રજાદેવી નિર્માલ્ય થઈ ગઈ અને તે કોમળ કુસુમમાળાની નિર્માલ્ય અને પૃથ્વી ઉપર શબવત્ પડી રહેલી પાંખડીઓ ઉપર અને તેને સાંધનાર સૂત્રો ઉપર એ મહારાજાઓ, અને એ શ્મશાનની ભસ્મ ઉપર તેમના ગણો અને ભૂતપ્રેતો, નિરંકુશ અને ક્રૂર નૃત્ય કરી ર્‌હેવા લાગ્યા. આ સર્વ વ્યુત્ક્રમ જોનાર કેટલાક પ્રજોદ્ધારના રસિક ઈંગ્રેજનાં હૃદય દ્રવ્યાં. રાજાઓની પ્રજારૂપ સિંહણના દાંત અને નખ ઉભય આપણાં અભયવચનથી નષ્ટ થઈ ગયાં અને આ પ્રજાઓના પીડનનું કારણ આપણે થયા છીએ તો એ પીડન દૂર કરવાનો અને એ પ્રજાઓના બળનો ઉદ્ધાર કરવાનો ધર્મ પણ આપણે માથે છે એવું એ ઇંગ્રેજના મનમાં આવ્યું. બાકીના ઈંગ્રેજોના, સ્વાર્થી અને રાજ્યબળના લોભી, ભાગને આ દયા ગમી ગઈ – એ દયાને નિમિત્તે દેશી રાજાઓનું રાજત્વ હીન કરી પોતાનું રાજત્વ વધારવાનું ફાવશે, એ બુદ્ધિ તેમના ચિત્તમાં વજ્રલેપ