આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨

ધ્વનિ ક્‌હાડતો અને અનુકૂળ પ્રતિધ્વનિ સાંભળતો. એક દિવસ બ્હીતે બ્હીતે પિતા પાસે પ્રસંગ જોઈ રાજા સામું કંઈક કટાક્ષનું વચન તે બોલી ગયો; પણ તે વચન નીકળતાં જ સુતેલા સ્વામી ઉપર બંદુક તકાતી જોઈ તાકનાર ઉપર બુદ્ધિમાન પતિભક્ત વિકરાળ કુતરો ઉછળી પડે તેમ સામંતે મુળુને કર્યું, અને તે દિવસથી મુળુના ઉત્સાહ ભગ્ન થઈ ગયા અને તે નિરાશ ર્‌હેવા લાગ્યો. જરાશંકર સાથે રજવાડાઓમાં ફરવાનો પ્રસંગ મળતાં મુળુએ ખાચર સાથે મિત્રતા કરી અને ઘરમાં ભગ્ન થયેલી આશા ઘરબ્હાર સાધવા માંડી. ખાચર સાથે પત્રવ્યવહાર અને પ્રીતિ વધાર્યા, રત્નનગરીના ગુપ્ત રાજમંત્ર ફુટવા લાગ્યા. અને ૨ત્નનગરીમાંથી જ ખાચરના મનોરથ સિદ્ધ થવાના સાધન મળવા લાગ્યાં. સરકારના એજંટ કર્નલ ફાક્‌સ ઉપર રાજયવિરુદ્ધ નનામાં કાગળો જવા લાગ્યા. રાજાઓ સાથે સર્વ તકરારો હોલવવાના ઉપાય ઈંગ્રેજ ઉપરના તિરસ્કારનું કાર્ય છે અને મલ્લરાજ ઈંગ્રેજથી પરોક્ષ રીતે રાજાઓ સાથે સંધિ કરવા પ્રયત્ન કરે છે એવો પત્ર ફાક્‌સ સાહેબને પહોંચ્યો. રાજાઓ ચારચક્ષુ છે. મહારાજને આ સર્વ વાત વિદિત થતાં વિલંબ થયો નહી, પણ તેણે ધૈર્ય તથા શાન્તિ રાખી દીઠેલું ન દીઠું કર્યું, જાણેલું ન જાણ્યું કર્યું, અને સર્વ વાતમાં માત્ર સાક્ષિદશા ધારી. મુળુ અને ફાક્‌સ એમ જ જાણતા કે એ વાત કોઈ જાણતું નથી. સર્વરાજાઓ સાથે કરવા ધારેલા સંધિ સંપૂર્ણ થયા ત્યારે ખાચર સાથે સંધિ કરવામાં જરાશંકર તથા સામંત ફાવ્યા નહી. ફાક્‌સ સાહેબ ભણીથી મલ્લરાજ ઉપર પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા અને જરાશંકરે દીધેલા સર્વ ઉત્તર નિરર્થક ગયા. ફાક્‌સ સાહેબે મહારાજ અને ખાચર વચ્ચે નિર્ણય કરવાની ત્વરા કરવા માંડી. જરાશંકરને મુળુનાં કર્તવ્યના સમાચાર રાજાએ કહ્યા ન હતા તેથી જરાશંકરને સામંતના ઉપર વ્હેમ ગયો કે એ મને આમાં ફાવવા દેતો નથી. સામંત તે સમજતો, પણ મ્હોડે લાવતો ન હતો; કાળક્રમે ફાક્‌સ સાહેબ, ખાચર, અને મુળુ એક થયા. તેમની વચ્ચે ખોટે નામે અને ગૂઢાક્ષરમાં પત્રવ્યવહાર ચાલવા લાગ્યો, એક દિવસ મુળુ ઉપર ફાક્‌સ સાહેબના નામનો દેખાતો પત્ર સામંતના હાથમાં આવ્યો અને પોતાને માથે રહેલો આરોપ દૂર કરવાનું સાધન ગણી સામંતે આ પત્ર મલ્લરાજના હાથમાં મુક્યો. આ પત્રમાં મુળુને લખેલું હતું કે મલ્લરાજ રાણીસરકારનો શત્રુ છે અને તે શત્રુતાના પ્રયોજનથી ખાચર સાથે ગુપ્ત સંધિ સાધવા પ્રયત્ન કરે છે,