આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧

વાડીમાંથી દૂર ન કરશો ! પ્રધાનો તો અનેક આવશે જશે પણ ઉદાત્ત રાજવંશનાં બીજ ગયેલાં પાછાં નહી જડે.”

મલ્લરાજે સામંતને બાથમાંથી છોડ્યો, અને સર્વ બેઠા.

આનંદ અને ઉત્સાહથી ઉભરાતા રાજાના મુખમાંથી વચન નીકળ્યું.

“સામંત, રાજાનો ધર્મ એવો ગહન છે કે ઘણી વેળા એના મનને અણગમતી વસ્તુ એને જ હાથે કરવી પડે છે અને તે જ પ્રમાણે તને શિક્ષા કરવી પડી છે–”

રાજાના વચનમાં ભંગ પાડી સામંત વચ્ચોવચ બોલી ઉઠ્યો, “મહારાજ, એ વાત પડતી મુકો અને મ્‍હારી માગણીનું સમાધાન કરો.”

મલ્લરાજ - “ સામંત, હું બાળક મુળુને શિક્ષા કરું તે વિના તું સંતોષ પામે એમ નથી. તો સાંભળ. એ બીજ બગડ્યું હશે તોપણ એને સુધારવા હજી એક પ્રયત્ન કરવો ઘટે છે. દેવની ઈચ્છા એને દુષ્ટ બુદ્ધિ આપવાની થઈ તો આપણે એમ ધારવું કે એ જ ઈચ્છા એને પાછી સુબુદ્ધિ આપશે, અને આજ વેઠેલો તીવ્ર તાપ તે પ્રસંગની છાયાની મીઠાશનું મૂલ્ય બતાવશે. એ કાળે એને જાતે જ પશ્ચાત્તાપ થશે અને તેની શિક્ષા એને ઓછી નહી થાય એનું દ્રષ્ટાંત ત્‍હારા અનુભવથી પ્રત્યક્ષ કરી લે. એમ છતાં આજ દૂષિત થયેલી બુદ્ધિ વધારે દુષ્ટ થશે અને ત્હારા ધારવા પ્રમાણે ઉદયકાળે ન ડાબેલો શત્રુ આગળ જતાં બળવાન થશે તો તે કાળે આપણા હાથમાં જે બળ હશે તે અજમાવીશું.”

સામંત – “એ રાજનીતિ મને સમજાતી નથી. મહારાજ, મને કરેલી શિક્ષા મુળુને શિક્ષા કરતાં આપને અટકાવે છે એથી જે મ્‍હારી બુદ્ધિ થઈ છે તે આપ અાથી દૂર કરો એમ નથી.”

મલ્લરાજ – “ખાચરની સાથે સંધિ કરવામાં અને એજંટની સાથે જીતવામાં આપણે મુળુને એની ઇચ્છાવિરુદ્ધ સાધન કરવાનું ધારીએ છીએ; જો મુળું સદા દુષ્ટ જ ર્‌હેશે તો તે ધારણા સિદ્ધ થયાથી મુળુ પોતે પોતાને ફસાયો અને હાર્યો જાતે જ સમજશે અને તે શિક્ષા દુષ્ટ હૃદયને માટે ઓછી નથી.”

સામંત – “પછી?”

મલ્લરાજ – “પછી એથી પણ વધારે શિક્ષા યોગ્ય લાગશે તો સામંતને હાથે મુળુને શિક્ષા કરાવીશ.”