આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

છીયે અને તમારો સત્કાર કરવા ઉપર અમારો અધિકાર થયો છે. માટે કોઈ રીતની શંકા ન રાખશો. તમે મહાપવિત્ર સ્થાનમાં અત્યારે ઉભા છો. તમે કોઈ દુ:ખી પુરુષ જણાવ છો પણ અલખના પ્રતાપથી - શ્રી યદુનંદનની કૃપાથી – શ્રી વિષ્ણુદાસના આશીર્વાદથી તમારા ત્રિવિધ તાપ અંહી ભાગશે. માટે સર્વ શંકા છોડી અમારી સાથે ચાલો અને અમારો યત્કિંચિત્સત્કાર સ્વીકારો. તે પછી પરસ્પર પૃચ્છા અને પરિચય નીરાંતે કરીશું.”

રાધેદાસે એક નિર્મળ પાત્રમાં નિર્મળ પાણી અને દાતણ આણી એક પત્થર ઉપર મુક્યું. ત્યાં આગળ સરસ્વતીચંદ્ર અને વિહારપુરી જઈ બેઠા. પત્થર ઉપરથી પર્વતની પશ્ચિમનો સર્વ દેખાવ દૃષ્ટિ આગળ આઘે સુધી પથરાતો હતો અને તેની પેલી પાસ સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો. સમુદ્ર દેખાતાં જ સરસ્વતીચંદ્રને મુંબાઈ સાંભર્યું, પિતા સાંભર્યા, અને દાતણ કરતાં કરતાં, પિતાની શી અવસ્થા હશે તે વિચારતાં વિચારતાં, આંખમાં પાણી ભરાઈ આવ્યું તે પાણીની છાલકો મારતાં પણ બંધ થયું નહી. વિહારપુરી તે જોઈ બોલ્યોઃ “અતિથિ મહારાજ ! તમે સર્વે ખેદ ક્‌હાડી નાંખો. સુન્દરગિરિ ઉપર શ્રીકૃષ્ણ પરમાત્માનું પરમાનંદ પ્રગટ કરનહાર સ્મિત વ્યાપી રહ્યું છે, માટે તમારો તાપ ગયો સમજવો. જુવો !

"तापत्रयौषधिवरस्य हि तत्स्मितस्य
"निःश्वाससमुन्दमरुता निवुसिकृतस्य ।
"एते कडंकरचया इव विप्रकीर्णाः
"जैवातृकस्य किरणा जगति भ्रमन्ति ॥"[૧][૨]

મુંબાઈમાં દાક્ષિણાત્ય મિત્રો દાક્ષિણાત્ય સુસ્વરથી સંસ્કૃત શ્લોક ગાતા તે સાંભળવાના રસિક પુરૂષને મુંબઈ છોડ્યા પછી ઘણે દિવસે આ સુપરિચિત શ્લોક સાંભળવાનો પ્રસંગ આવ્યો. આથી એના ઘણાક સંસ્કાર જાગ્યા અને


  1. ૧.તેનું સ્મિત કેવું છે ? ત્રિવિધ તાપના રામબાણ ઔષધિરૂપ છે. આ જૈવાતૃક (ચંદ્ર) એ જ તે સ્મિત છે. જે મુખમાંથી એ સ્મિત નીકળે છે તે જ મુખમાંથી શ્વાસ પણ નીકળે છે, અને આ મન્દ પવન એ જ તે શ્વાસ છે. એ સ્મિતરૂપ ઔષધિ ભુસાંભુસાં જેવી થાય છે અને તેને છાલાં-છોતરાં જેવો ભુકો એ પવનથી ચોપાસ ફેલાઈ વેરાઈ જતો હેાય તેમ એ ચંદ્રના કિરણ જગતમાં ભ્રમણ કરે છે. અર્થાત આ ચોપાસ હરિનું સ્મિત કિરણરૂપે જગતના ત્રિવિધ તાપને નાશ કરતું વ્યાપી રહ્યું છે.
  2. ૨.પ્રાચીન શ્લોક.