આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬

એને જ શ્રમ આપશો તેમાં સઉને સારા દેખાશે. આપ જાતે શાણા છો અને સામંતસિંહને પુછશો તો આવી જ રીતે બતાવશે.”

અંતઃકરણના અપરાધે મુળુને આ મર્મવાક્યનો અર્થ સમજાવ્યો. વૃદ્ધજન અને તે વળી માનચતુરના દેખાવવાળો - તેને પ્રત્યુત્તર વાળવા સામંતના પુત્રની છાતી ચાલી નહીં. “ખરી વાત.” કહી, નીચું જોઈ, વધારે બોલ્યા કે જોયા વિના તે ચાલતો થયો. ને દ્વારમાંથી નીકળ્યો તેની સાથે તે સાંભળે એમ બુમ મારી મ્હોટે સ્વરે માનચતુર ક્‌હેવા લાગ્યો,

“ગુણસુંદરી રાહુ ગયો – બ્હાર નીકળો અને કાલથી દરવાજે આરબની ચોકી રાખજો કે આવો પ્રસંગ ફરી ન આવે.”

ગુણસુંદરી દ્વાર ઉઘાડી બ્હાર આવી, અને દયામણે મુખે રંક સ્વરે બોલીઃ “વડીલ, મ્હેં આપને એક બે વાર ક્‌હેલું છે કે આપણા લોકમાં મઝીયારાં ર્‌હેવાનો ચાલ છે તે સારો છે તે એટલા માટે કે આવો પ્રસંગ તેમાં ન આવે. મ્હારાં સાસુજી, નણંદો અને જેઠ જેઠાણી હતાં ત્યારે બધું ઘર આખો દિવસ ભરેલું ર્‌હેતું અને બ્હારનો માણસ જમ જેવો હોય પણ તેની છાતી, ઉમરાની માંહ્ય નજર નાંખવા જેટલી, ચાલી શકતી ન હતી. મ્હારાથી આપની સેવામાં કોણ જાણે શી ન્યૂનતા આવી જતી હશે કે આપ ઘડી ઘડી મનોરીયે જઈ વસો છો.”

માનચતુર “હસ્યો,“ પણ હવે અારબ રાખીશું કની ! ઈંગ્રેજી ભણે તેને તો ઈંગ્રેજની પેઠે એકલો વાસ અને એકલાં ઘરબાર હોય તે ઠીક પડે.”

ગુણસુંદરી ગાલે હાથ દેઈ બેઠીઃ “આપને ક્‌હેવું હોય તો વડીલ છો. પણ મ્હારા હૃદયમાં જે વાત છે તેનો સાક્ષી ઈશ્વર છે. ઈંગ્રેજ લોકની ફુંકથી પર્વતો ફાટે છે અને તેમના નામથી રાજાઓ કંપે છે. મડમો અરણ્યમાં હોય પણ તેના સામી દૃષ્ટિ કરતાં લોક ડરે. આપણાં ઘર એમનાં ઘર પેઠે ઉઘાડાં થઈ જશે ત્યારે રસ્તાના જનારને અને શેરીનાં કુતરાંને પણ તેમાં પેસી જવાનું મન થશે. આપણા ઘરનાં લશ્કર વેરાઈ જશે ત્યારે ધોળે દિવસે ધાડ પડશે. વડીલ, તમને હસવું આવે છે પણ ખરું જાણજો કે આપના જેવા વડીલો તે