આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧

સામંત – “તો હું અપરાધીનો બાપ પણ છું, મહારાજ, બીજા ભાયાત શરમ રાખી એને છોડે – માટે આપના વચન પ્રમાણે મને પંચમાં બેસવાનો અધિકાર છે તે નહી આપો તો આપનું વચન તુટશે.”

જરાશંકર – “મહારાજ, હું આવાં કારણોથી જ ક્‌હેતો હતો કે આ ઠરાવમાં પ્રધાનની સંમતિ લેવી જોઈતી હતી.”

મલ્લરાજ – “એ તમે પશ્ચિમ બુદ્ધિવાળા બ્રાહ્મણો ન સમજો. સામંત, જા એ પંચમાં બેસવાનો અધિકાર તને આપું છું, કારણ વચને બંધાયો છું. પણ ઠરાવનો પાછલો ભાગ વાંચી કામ કરજે કે બીજા પંચ ફરી નીમવા ન પડે.”

પંચ નીમાયા. પંચે મુળુને કુમારના ખુન કરવાના પ્રયત્નનો અપરાધી ઠરાવ્યો અને દેહાંત દંડની શિક્ષા દર્શાવી. એવી ભારે શિક્ષા કરવા રાજાએ ના પાડી, રાજા અને સામંત વચ્ચે વળી વાદ-યુદ્ધ થયું. રાજાએ મુળુને પુછ્યું : “મુળુભા, ત્હારી સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરવા મ્હેં પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો અને ત્હારી દયા આણતાં ત્હારા પિતાનાં આ વચન સાંભળવાં પડે છે. મ્હેં કે મણિરાજે ત્હારો શો અપરાધ કર્યો હશે વારુ ?”

મુળુ બેડીઓમાં ઉભો હતો તે આળસ મરડી જરા ઉંચો થઈ બોલ્યો: “મહારાજ, આ ઈંગ્રેજની સાથે આપે સંધિ કર્યો ન હત તો આ પ્રસંગ આવત નહી. કર્યો તો ખેર, પણ એ સંધિ કરવા સારુ આપની બુદ્ધિને ફસાવનાર આ બ્રાહ્મણને આપે દૂર કર્યો હત તો આ પ્રસંગ ન આવત, થવા કાળ થયું. આ મહાન્ રાજપ્રસંગોમાં આપ અશક્ત નીવડ્યા અને આવા હલકા બ્રાહ્મણના વશીકરણથી બંધાઈ રહ્યા છો તે જ્યાં સુધી મુક્ત થાવ નહી ત્યાં સુધી આ સિંહાસનને માટે આપ યોગ્ય છો એમ મને કદી લાગનાર નથી. જે ભાર લેવા આપ અશક્ત છો તે ભાર લેવાની મને હીંમત હતી અને તેથી જ તે ભાર માથે ખેંચવાનું સાધન મ્હેં વાપર્યું. મ્હેં એમાં કાંઈ ખોટું નથી કર્યું. જગતમાં ઘણા અયોગ્ય રાજાઓ રાજ્યાસન પર બેસી સમર્થ પુરુષોને જીવનથી મુક્ત કરે છે. તેમ આપ ભલે મને પણ મુક્ત કરો. હું મરવા તયાર છું.”

સામંતને ક્રોધ ચ્હડયો તે અટક્યો નહી. તેણે એકદમ ઉઠીને મુળુના કપાળમાં મુક્કો માર્યો અને લોહીની ધારા ચાલી. રાજાએ સામંતને પાછો ખેંચી લીધો અને વચન ક્‌હાડ્યું.