આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

પિતાના વિચારમાંથી બીજી આનંદમય દશામાં સંક્રાંત થયો. પાછલી રાત્રે સાંભળેલા સ્વભાષાના કાવ્યતરંગ અને અત્યારે સાંભળેલા આ શ્લોકથી એનું હૃદય સુપ્રસન્ન થયું. આવે સ્થળે પણ આ કાવ્ય અને પર્વેષણાના રમ્ય મિશ્રણને વિનોદ મળશે - આ આશા તેના મનને મનોજ્ઞ થઈ પડી અને ઉલ્લાસમાં આવી આ વસ્ત્રહીન જેવા, જડભરત જેવા, પ્રતિમા જેવા કાળા, અને પાંચ હાથ ઉંચા બાવાને રૂપે કોઈ રમ્ય વિનોદસ્થાન પ્રત્યક્ષ ઉભું હોય તેમ તેની સાથે પ્રીતિથી બોલવા લાગ્યો.

“યોગિરાજ ! શ્લોક તો ઉત્તમ કહ્યો પણ આ દિવસને સમયે સૂર્યને ઠેકાણે જૈવાતૃકના[૧] કિરણ શી રીતે ભમે છે તે સમજાયું નહીં. આપના પવિત્ર આશ્રમમાં જે સત્કાર પામું છું તે જ મ્હારા મનના ખેદને દૂર કરે છે. આપના ગુરુજીનો મ્હારા ઉપર પક્ષપાત છે તો મ્હારા शेषનો ઉપાધિભાર પણ ઉતરશે.”

“ ક્યા બોલા ! જુવાન !” – વિહારપુરી અને રાધેદાસ આંખો વિકસાવી એકબીજાના સામું જોઈ રહ્યા. પોતાના સંપ્રદાયના રહસ્યમાં આ પુરુષની ગતિ થઈ ગુરુનો પક્ષપાત એણે જાણ્યો, અને સંસ્કૃત શ્લોકનો અર્થ વગર સમજાવ્યે એ સમજી ગયો, અને 'શેષભાર'નું રહસ્ય એને પ્રાપ્ત થયું; આ સર્વ વાત બાવાઓને ચમત્કાર જેવી લાગી અને ગુરૂજીનું વચન સફળ જ થશે એ શ્રદ્ધા એમના ચિત્તમાં સજડ થઈ ગઈ. આખરે વિહારપુરી સરસ્વતીચંદ્રને બે હાથે ઉમળકો આણી બાઝી પડ્યો અને છુટો પડી, પોતાના શરીર ઉપરની વિભૂતિ એને શરીરે વળગેલી જોઈ, ઓર આનંદમાં આવી ગયો. અંતે હર્ષથી ઉભરાઈ જઈ બોલ્યો.

“જુવાન, તમારું નામ ક્‌હો ! પછી હું ઉત્તર દેઈશ.”

“મ્હારું નામ નવીનચંદ્ર !”

“ નવીનચંદ્ર ! વાહ વાહ! ક્યા અચ્છા નામ હૈ ! નવીનચંદ્રજી અમારા નવીન જૈવાતૃક ! શ્રીકૃષ્ણના સ્મિતરૂપ અમારા જુના જૈવાતૃક શ્રી વિષ્ણુદાસજી શ્રી પરમાત્માના સ્મિતરૂપ છે; અને શ્રી વિષ્ણુદાસજીના કિરણ આ સુંદરગિરિ ઉપર ચારેપાસ આ માયારાત્રિમાં ભ્રમણ કરે છે; અને એ કિરણનો જેના ઉપર અભિષેક થાય છે તે આનંદરૂપ સ્મિતપ્રકાશરૂપ હો જાયછે – એ આનંદનો ઉદય તમારા ત્રિવિધ તાપ ન્હસાડશે. ક્યા નવીનચંદ્રજી ! સબ સમજ ગયા ?”


  1. ૧. જૈવાતૃક=ચંદ્ર.