આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩

એવા પ્રયોગ સાધવા, અને તેમ કરી પોતાનાં અને સર્વ ન્હાનાં રાજ્યોના સામાન્ય લાભ સંભાળવા અને સર્વને માથેનાં સામાન્ય ભય દૂર કરવાં – એ ચક્રવતીનો ધર્મ. એ ધર્મને અંગે સર્વત્ર દૃષ્ટિ ફેરવવી, જાગૃત ર્‌હેવું, અને સર્વને જાગૃત રાખવા એ ચક્રવર્તીનો ચક્રાધિકાર દેશકાળની આવશ્યકતા પ્રમાણે નવા નવા આવા અધિકાર એમને અનેકધા ધારવા પડશે. પણ આપણા જેવાઓને માટે સારી વાત એ છે કે એ અધિકારનું નામ દેવાનો એ લોકને પ્રસંગ જ આવે નહી એમ રાખવું, અને ભુલે ચુક્યે પ્રસંગ આવે તો સામંતરાજે બતાવ્યા પ્રમાણે નિવાર્ય કે અનિવાર્ય ઈચ્છા વગેરે વાતનો વિચાર કરવો. આપણે પ્રશ્ન પુછ્યો કે તમારો અધિકાર શો એ આપણી ભુલ. આપણી ભુલ થઈ ત્યારે તેનો લાભ લઈ એજંટે લુચ્ચો ઉત્તર આપ્યો. ભુલ થઈ તે થઈ. હવે નહી કરીયે અને થયું ન થયું કરવા બનતો ઉપાય કરીશું, પણ છિદ્ર શોધનાર અાંખને સંતોષ આપતાં છિદ્ર વિનાના રાજાને કાંઈ ડર નથી.”

સામંત – “મહારાજ, હવે લાંબી ચર્ચા પડતી મુકો. મ્હારા કુળમાં દુષ્ટ અંગારો ઉકલ્યો તેની આ લ્હાય છે. મ્હેં તો એને મુવો ગણી સ્નાન કરી લીધું છે તેની હવે આ એજંટ સાંભળે એવડી પોક મુકો. મહારાજ, જરાશંકર સત્ય ક્‌હે છે. એ પ્રમાણે કરવામાં રાજ્યને કે અધિકારને કાંઈ હાનિ નથી. ભાયાતી પંચનો ઠરાવ અને આખરનું શિક્ષાપત્ર, એ બેની નકલો સાહેબને મોકલો અને બાકીનું હું અને જરાશંકર જોઈ લઈશું. મહારાજ, આ મરણપોક ખુલે મ્હોંયે મુકવા દ્યો, અને એ મરનાર, પ્રેત થઈને, સાહેબના શરીરમાં ધુણશે તો અડદ નાંખવા કે લીંબુ ઉછાળવું તે જોઈ લઈશું, પણ હાલ તો આ પોક જ મુકો. ઉઠો, જરાશંકર!”

સર્વ ઉઠ્યા. આગળ જરાશંકર અને પાછળ સામંત એમ બે જણ દ્વાર બહાર નીકળ્યા. નીકળતાં નીકળતાં સામંતે ઓઠ કરડ્યા, દાંત કચડ્યા, પગ પૃથ્વીઉપર પછાડ્યો, અને કેડ ઉપરના મ્યાનમાંથી કટાર અર્ધી ક્‌હાડી ક્રોધથી અને આતુરતાથી તે ઉપર ડોક વાળી દૃષ્ટિ કરી, પાછી કટાર મ્યાનમાં સમાવી દીધી. મહારાજે એ સર્વ જોયું, અને પ્રધાન તથા ભાયાત એની દૃષ્ટિ આગળથી ગયા.